(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહિલા અને બાલકલ્યાણ યોજના અંતર્ગત પાત્ર ઠરેલી મુંબઈની ૨૭,૦૦૦ મહિલાઓને સ્વયંરોજગાર માટે આર્થિક મદદ આપવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકાના નિયોજન વિભાગ મારફત મહિલાઓને સ્વયંરોજગાર માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેના એક ભાગ રૂપે મહિલાઓને સિલાઈ મશીન, ઘરઘંટી અને મસાલા ખાંડણી વગેરે મશીન માટે આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજનાનો શુભારંભ શનિવાર ૧૩ મે, ૨૦૨૩ના રોજ મુખ્ય પ્રધાનના હસ્તે ચુનાભટ્ટી ખાતે કરવામાં આવવાનું છે.”
પાલિકા દ્વારા આર્થિક દ્દષ્ટિએ દુર્બળ લોકો જેવા કે મહિલા, દિવ્યાંગ, સિનિયર સિટિઝન, તૃતીયપંથી લોકો માટે સામાજિક કલ્યાણ માટે પાલિકા અનેક યોજના અમલમાં મૂકે છે. આ વર્ગના સક્ષમીકરણ માટે પાલિકા દ્વારા જેન્ડર બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવે છે.
પાલિકાના નિયોજન વિભાગના માધ્યમથી સામાજિક કલ્યાણની યોજના માટે આ વર્ષે લગભગ છ ગણી આર્થિક જોગવાઈ વધારીને ૨૫૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે, જેમાં મહિલાઓના આર્થિક સહાય યોજના માટે લગભગ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નિરાધાર, દુર્બળ ઘટકના ઉચ્ચશિક્ષણ લેનારી યુવતી અને મહિલાઓને પરદેશ શિક્ષણ માટે વિઝા તેમ જ અન્ય લાઈસન્સ માટે અર્થસહાય, મહિલાઓને સ્વયંરોજગાર માટે ઈ-બાઈક અને માલવાહક, ઈ-રિક્ષા ખરીદી માટે અર્થસહાય વગેરેનો પણ આ યોજનામાં સમાવેશ છે.