(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને કારણેે થોડા વરસાદમાં પણ નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં હોય છે. મુંબઈને પૂરમુક્ત કરવા અનેક યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં હવે આવતા વર્ષથી બ્રિટિશકાળની વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનને બદલવાનુંં અને નાનાં-મોટાં નાળાંનાં સમારકામનો સમાવેશ થાય છે. આ તમામ કામ પાછળ પાલિક પ્રશાસન લગભગ ૪૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અમુક વિસ્તાર દરિયાની સપાટીથી પણ નીચા છે. તેથી ભારે વરસાદ દરમિયાન ભરતી હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં હોય છે. ૨૦૦૫માં મુંબઈ અતિવૃષ્ટિમાં થયેલા જાન-માલના નુકસાન બાદ પાલિકાએ બ્રિમસ્ટોવર્ડ પ્રોજેકટ હાથ ધર્યો હતો. જે હેઠળ પાણી ભરાવવાનું પ્રમાણ અને જગ્યાઓ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
પાલિકાએ અત્યાર સુધી હાજી અલી, રે રોડ, વરલી લવગ્રોવ્હ, ક્લિવલૅન્ડ અને જુહૂ આ ઠેકાણે પંપિંગ સ્ટેશન ઊભા કર્યા છે. આ ઠેકાણે પ્રત્યેક સેકંડે હજારો લિટર પાણીનો નિકાલ દરિયામાં કરવામાં આવે છે. તેથી અહીંના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘણી રાહત મળી છે. જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણીનો નિકાલ કરવા માટે પાલિકાએ ૪૮૦ પંપ બેસાડ્યા છે.