Homeઆમચી મુંબઈમુંબઈના દરિયાકિનારાઓ પર પર્યટકોને મળશે આ સુવિધા

મુંબઈના દરિયાકિનારાઓ પર પર્યટકોને મળશે આ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના દરિયાકિનારા પર ઊમટતી પર્યટકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ બીચ પર પ્રીફેબ્રીકેટેડ બાયો-ટોઈલેટ ઊભાં કરવાનો નિર્ણય લીધો છે. આ શૌચાલયમાં પાછળ લગભગ ૩.૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જાન્યુઆરી, ૨૦૨૩ સુધી આ શૌચાલયો બીચ પર બેસાડી દેવાની પાલિકાની યોજના છે.
પાલિકાના પ્રશાસનના કહેવા મુજબ મુંબઈના જ નહીં, પણ બહારથી આવતા પર્યટકોમાં પણ મુંબઈના બીચનું જબરું આકર્ષણ છે. રોજ મોટી સંખ્યામાં પર્યટકો બીચ પર આવતા હોય છે. તેથી તેમની સગવડને ધ્યાનમાં રાખીને જુદા જુદા દરિયાકિનારા પર પ્રીફેબ્રીકેટેડ બાયો-ટોઈલેટ ઊભાં કરવામાં આવવાનાં છે. પુરુષો, મહિલા અને દિવ્યાંગ લોકોને ધ્યાનમાં રાખીને આ શૌચાલય ઊભાં કરાશે.
સાર્વજનિક સ્થળોને ચોખ્ખા રાખવા માટે પાલિકા પ્રશાસન કમ્યુનિટી અને પબ્લિક ટોઈલેટ વધારવાની યોજના હાથ ધરી છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા જે સ્થળોએ નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય છે ત્યાં શૌચાલયની સંખ્યા વધારવા માગે છે. મુંબઈને મોટો દરિયાકિનારાનો લાભ મળ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરરોજ બીચ પર આવતા હોય છે. અમુક બીચ પર મોબાઈલ ટોઈલેટની સગવડ છે, પરંતુ તેની જાળવણી બરોબર કરાતી ના હોવાથી આ શૌચાલયોની હાલત ખરાબ હોય છે.
પાલિકા પ્રશાસને મુંબઈના જુદા જુદા બીચ પર બાયો-ટોઈલેટ બેસાડવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. આ બાયો-ટોઈલેટ બેસાડવા માટે સ્યુએજ લાઈનને જોડવાની આવશ્યકતા હોતી નથી. બહુ જલદી ૨૭ શૌચાલય છત પર સોલાર પાવર યુનિટ સાથે બેસાડવામાં આવવાના છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ આ બાયો-ટોઈલેટ મુખ્યત્વે ગિરગાંવ ચોપાટી, દાદર-માહિમ, જુહૂ-વર્સોવા, મઢ-માર્વે અને મનોરી-ગોરાઈ બીચ પર બેસાડવામાં આવવાનાં છે. આ બાયો-ટોઈલેટ બેસાડવાનું કામ આગામી પંદરેક દિવસમાં ચાલુ કરવાની યોજના છે અને ત્રણ મહિનામાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -