(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કૂપર હૉસ્પિટલમાં સોમવારથી પેઈન ક્લિનિક ઓપીડી ચાલુ કરવામાં આવી છે, જેનાથી કેન્સર, સંધિવા સહિત અનેક બીમારીનો ભોગ બનેલા દર્દીઓને રાહત મળી રહેશે.
વિલપાર્લેમાં આવેલી હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મેડિકલ કૉલેજ અને ડૉ. રુસ્તમ નરસી કૂપર મહાનગરપાલિકા જનરલ હૉસ્પિટલમાં સોમવારથી પેઈન ક્લિનિક ઓપીડી ચાલુ કરવામાં આવી છે. આ ઓપીડી સોમવારથી શુક્રવાર બપોરના બેથી ૩.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
કેન્સર, સંધિવા, મણકાની બીમારી, મજ્જાતંતુની બીમારી અને તેનાથી પીડાતા દર્દીઓને ભારે વેદના થાય છે અને તેમને અત્યંત શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. તેમ જ ખાનગી હૉસ્પિટલમાં આ બીમારી પરની સારવાર પદ્ધતિનો ખર્ચ અંદાજે ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા સુધી થાય છે. કૂપર હૉસ્પિટલમાં ચાલુ થયેલી ઓપીડીનો ફાયદો ગરીબ દર્દીને થશે, કારણ કે અહીં સારવાર વિનામૂલ્ય તેમ જ અત્યંત ઓછા દરે ઉપલબ્ધ થશે. ઑપરેશન બાદ થનારી તીવ્ર વેદના અને દીર્ઘ બીમારીનું નિવારણ કરવા પેઈન ક્લિનિક ઓપીડી ઉપયોગી સાબિત થશે. આ સારવાર પદ્ધતિમાં વેદનાશમનક દવા ઉપરાંત અલગ અલગ મજ્જાતંતુને બધિર કરવા જેવા ઉપાયો અમલમાં મૂકવામાં આવશે.