(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષથી હવે ગણેશોત્સવ દરમિયાન ઘરમાં સ્થાપના કરવામાં આવતી ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે શાડુ માટીની બનાવેલી હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ ફરજિયાત કર્યું છે.ઘરમાં ગણેશભક્તો દ્વારા સ્થાપવામાં આવતી ચાર ફૂટ સુધીની ઊંચાઈની ગણેશની મૂર્તિ શાડુ માટીની જ અને પર્યાવરણપૂરક હોવી જોઈએ એવો આદેશ પણ ગણેશભકતોને પાલિકાએ આપ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિની ઘરમાં સ્થાપના કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હશે એવું પણ પાલિકાએ કહ્યું હતું.
પાલિકાએ બહાર પાડેલા નવા નિયમને ધ્યાનમાં રાખીને પર્યાવરણપૂરક ગણેશમૂર્તિ ઘડનારા મૂર્તિકારોને પાલિકા દ્વારા દરેક વોર્ડમાં એક ઠેકાણે મફત જગ્યા ઉપલબ્ધ કરી આપવાનો પણ નિર્દેશ પણ પાલિકાએ આપ્યો છે. તે માટે જગ્યા શોધવાનો આદેશ દરેક વોર્ડના અધિકારીને આપવામાં આવ્યો છે. પર્યાવરણપૂરક ગણેશમૂર્તિ તૈયાર કરનારાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મૂર્તિ બનાવવવા માટે આવશ્યક રહેલી શાડૂની માટી પણ થોડા પ્રમાણમાં મફત આપવાનો નિર્દેશ પણ પાલિકા પ્રશાસને આપ્યો છે.
એ સાથે જ પાલિકા પ્રશાસને સાર્વજનિક ગણેશોત્સવ મંડળને મંડપ ઊભો કરવા માટે વસૂલ કરવામાં આવતી ફી અને અનામત રકમ માફ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવવાનો છે. તેમ જ ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન જે ગણેશમંડળોએ ફી અને અનામત રકમ જમા કરી હતી, તેને આગામી સાત દિવસમાં આ રકમ પાછી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.