મુંબઇ : મુંબઇ મહાનગર પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર બગીચાનો ઉપયોગ કરનારા માટે કેટલાંક નિયમો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અતંર્ગત હવે પછી બગીચામાં આવનાર લોકો વર્કઆઉટ, યોગા, બેડમિન્ટન, સ્પોર્ટ્સ અને મ્યુઝિક ક્લાસીસ નહીં કરાવી શકશે. આ સાથે તેઓ એમ્ફીથિયેટરનો પણ પરફોર્મન્સ અને પ્રેક્ટીસ માટે ઉપયોગ નહીં કરી શકે. BMC ના નિયમને પગલે ઘણાં લોકોમાં ખૂશી તો ક્યાંક ગમનો માહોલ થયો હતો. કારણ કે પાલિકાના આ નિર્ણયનો કેટલાંક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે.
એક વેબ પોર્ટલ મુજબ પાલિકાએ આ નિયમો લાદવા પાછળ કારણ આપ્યું છે કે પાલિકાના બગીચાઓનો ત્યાં આવનાર વિઝીટર્સ દ્વારા વિવિધ ક્લાસીસ માટે કમર્શીયલી કરવામાં આવે છે, આ લોકો તેમના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લે છે અને પાલિકાની જગ્યાનો મફતમાં ઉપયોગ કરે છે. એટલું જ નહીં બગીચાના આસપાસ રહેનારા રહેવાસીયોને આ પ્રવૃત્તિઓને કારણે તકલીફ પણ થતી હોય છે. તેથી પાલિકાએ આ નિયમો ઘડ્યા છે. હાલમાં આ નિયમો જૂહુના કિશોર કુમાર અને કૈફી આઝમી પાર્કમાં આવતા લોકો માટે લાદવામાં આવ્યા છે.
પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટના સુપ્રીટેન્ડન્ટ જીતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું કે, ‘આ નિયમો બગીચાના નિર્માણ વખતે જ બન્યા છે, પણ આ બગીચાઓ થર્ડ પાર્ટીને મેન્ટેન કરવા આપ્યા હોવાથી તેમનો કાયમ પ્રશ્ન આવતો કે આવા નિયમો અમે બગીચામાં આવનાર લોકોને કઇ રીતે કહી શકીએ?’ K/W વોર્ડના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ હનુમંત ગોસાવીએ કહ્યું કે, ‘કિશોર કુમાર અને કૈફી આઝમી પાર્કમાં લોકો રસ્તાની વચ્ચે યોગા કરે છે, બગીચામાં ચલાવા આવતા લોકોને આના કારણે ખૂબ તકલીફ થતી અને આ અંગે વારંવાર ફરિયાદો પણ આવી છે. તેથી જ અમે આ અંગે ચોક્કસ નિયમો નક્કી કર્યા છે.’ પાલિકાના આ નિયમોનો ઘણાં લોકોએ વિરોધ પણ કર્યો છે.