(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ૨૦૨૩ની સાલ સુધી કોસ્ટલ રોડ પૂરો કરવાનો પાલિકાનો લક્ષ્યાંક છે. કોસ્ટલ રોડના કામ માટે પાલિકાએ ગિરગાંવ ચોપાટીનો અમુક હિસ્સો બંધ કરી નાખ્યો છે, તેને કારણે ગિરગાંવ ચોપાટી પર ફરવા આવનારા પર્યટકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. તો પર્યાવરણ નિષ્ણાતોએ પણ તેની સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મનપાએ ગિરગાંવ ચોપાટીનો એક ભાગ બંધ કર્યો છે. દરિયાકિનારા પર કોસ્ટલ રોડનું કામ ચાલી રહ્યું છે, તેને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. પાલિકાએ બાંધેલા પ્લેટફોર્મ-કમ-વ્હ્યૂઈંગ ગૅલરી નજીક દરિયાકિનારાનો આ ભાગ નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે. તેથી અહીં ફરવા આવનારા પર્યટકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. તો પહેલાંથી જ કોસ્ટલ રોડ સામે વિરોધ કરી રહેલા અમુક પર્યાવરણ નિષ્ણાતોએ પણ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ પ્રોજેક્ટનો ઉદેશ્ય દક્ષિણ મુંબઈને બાંદ્રા-વરલી સી લિંકને વરલી સાથે જોડવાનો છે. કોસ્ટલ રોડનું અત્યાર સુધી ૬૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. હાલ ગિરગાંવ ચોપાટીનો અમુક હિસ્સો બંધ કરી ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ અંડરગ્રાઉન્ડ રહેલા ડ્રેનેજ પંપ રાખવા માટે શાફ્ટ ઊભો કરવામાં આવ્યો હોવાથી ગિરગાંવ ચોપાટીના એક ભાગમાં બૅરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. ગિરગાંવ ચોપાટી નીચેની ટનલમાં જે પાણી જમા થવાનું છે, તેમાંથી તેને બહાર કાઢવામાં આવવાનું છે. તેના પર કામ કરવા માટે સાત મહિનાનો સમય લાગે એવી શક્યતા છે. આ કામને કારણે બીચને કોઈ નુકસાન થશે નહીં. કામ પૂરું થયા બાદ બીચ ફરી ખોલવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ૨.૦૭ કિલોમીટર લંબાઈની બે ટ્યૂબ ટ્વિન ટનલ બાંધવામાં આવી રહી છે. દક્ષિણ મુંબઈની ગિરગાંવ ચોપાટી પાસેથી ટનલ ચાલુ થશે તે ગિરગાંવ ચોપાટીથી તાંબે ચોક, કિલાચંદ ગાર્ડન, બીએમસીના મલબારહિલ જળાશય, હૅગિંગ ગાર્ડન, નેપિયન સી રોડની હૈદરાબાદ એસ્ટેટ નીચેથી જશે અને પ્રિયદર્શની પાર્ક પાસેથી બહાર નીકળશે. આ ટનલમાં વાહનચાલકોને પ્રવેશ અને બહાર નીકળવા માટે કટ અને કવર ટનલમાંથી જવું પડશે.