Homeઆમચી મુંબઈબેદરકાર મુંબઈ મહાનગરપાલિકા: નાગરિકોના સંકટને ટાળવા માટેના મહત્ત્વના પ્રોજેક્ટમાં વિલંબ

બેદરકાર મુંબઈ મહાનગરપાલિકા: નાગરિકોના સંકટને ટાળવા માટેના મહત્ત્વના પ્રોજેક્ટમાં વિલંબ

બજેટમાં પ્રસ્તાવિત નવા ફાયરસ્ટેશન ઊભા કરવામાં બે-ત્રણ વર્ષનો વિલંબ થવાની શક્યતા: બે ફાયર સ્ટેશનના કામ ગોકળગાયની ગતિએ, બાકીના માટે હજી જગ્યા જ નથી મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે અને દરવર્ષે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવે છે એમ છતાં મુંબઈ મહાનગરપાલિકાનું વલણ જાણે મુંબઈગરાની કોઈ ચિંતા જ ન હોય એવું રહ્યું છે. આગ પર ઝડપથી નિયંત્રણ મેળવી શકાય એ માટે શહેરમાં ૨૦ નવા ફાયર સ્ટેશનની આવશ્યકતા હોવાનું સિદ્ધ થયા બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં સિદ્ધ થયું અને નાગરિકો દ્વારા વધુ ફાયર સ્ટેશનો બનાવવા માટે માગણી કરવામાં આવતાં બજેટમાં પાંચ ફાયર સ્ટેશન બાંધવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ આ બજેટ વર્ષમાં આ ફાયર સ્ટેશન બનવાની કોઈ સંભાવના ન હોવાની આઘાતજનક માહિતી મુંબઈ સમાચારના હાથમાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના ૨૦૨૩-૨૪ના બજેટમાં મુંબઈમાં પાંચ નવા ફાયર સ્ટેશન બાંધવાની જાહેરાત કરી હતી, જેમાંથી ફક્ત કાંદિવલીમાં ઠાકુર વિલેજમાં જ ફાયર સ્ટેશનનું જ કામ ચાલી રહ્યું હોવાથી ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં તે કાર્યરત થઈ જશે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ ચેંબુર, કાંજુરમાર્ગ, સાંતાક્રુઝ, અંધેરીમાં પ્રસ્તાવિત કરેલા ફાયર સ્ટેશન બંધાવવાને હજી બે-ત્રણ વર્ષનો સમય લાગવાની શક્યતા છે.

હાલ મુંબઈમાં ૩૫ ફાયર સ્ટેશન છે, પરંતુ મુંબઈની ભૌગોલિક સીમા અને વસતીની સામે આ ફાયર સ્ટેશન અપૂરતા હોવાથી મુંબઈ ફાયરબ્રિગેડે તેની સંખ્યા વધારીને ૬૦ સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો. તેથી ૨૦૧૪-૩૪ના ડેવલપમેન્ટ પ્લાનમાં ૨૬ નવા ફાયર સ્ટેશન માટે રિઝર્વેશન પણ કરવામાં આવ્યા છે. જોકે જગ્યાના અભાવે નવા ફાયર સ્ટેશનના કામમાં અવરોધ આવી રહ્યો છે. નોંધનીય છે કે મુંબઈમાં વાર્ષિક સરેરાશ આગ લાગવાના ૪,૫૦૦ બનાવ નોંધાઈ રહ્યા છે.

આગની દુર્ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી અને સચોટ થઈ શકે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ છ ફાયર કમાન્ડ સેન્ટર હેઠળ ૧૯ મિની ફાયર સ્ટેશન બનાવ્યા છે. એ સિવાય પણ સાંકડી ગલી અને રસ્તામાં આવેલા સ્થળોએ આગ લાગે ત્યારે સરળતાથી પહોંચી શકાય તે માટે મુંબઈ ફાયરબ્રિગેડે પોતાના કાફલામાં ફાયર બાઈકનો પણ સમાવેશ કર્યો છે. આ દરમિયાન કાંદિવલીમાં ઠાકુર વિલેજમાં ફાયર સ્ટેશનનું કામ અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. એ ઉપરાંત કાંજુરમાર્ગમાં એલ.બી.એસ. માર્ગ પર ફાયર સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, જેનું કામ આવતા વર્ષ સુધીમાં પૂરું થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

સાંતાક્રુઝમાં જૂહુ તારા રોડ પર નવા ફાયર સ્ટેશનના પ્રસ્તાવ મેકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરીની રાહ જોવામાં અટવાયેલો છે. તો ચેંબુરમાં માહુલ રોડ પર ફાયર સ્ટેશનના બાંધકામને ૧૨૮ ઝાડ અવરોધરૂપ બની રહ્યા હતા. તેથી પાલિકાએ જગ્યા બદલી નાખી છે, તેથી નવા ફાયર સ્ટેશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી મુંબઈગરાએ હજી બે-ત્રણ વર્ષ નવા ફાયર સ્ટેશન માટે રાહ જોવી પડવાની છે.

નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના ૨૦૨૩-૨૪ના બજેટમાં મુંબઈ ફાયરબ્રિગેડના અપગ્રેડેશન માટે ૨૨૭.૦૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -