કાબુલમાં લશ્કરી એરપોર્ટની બહાર ભયાનક વિસ્ફોટ થયો હતો, તાલિબાન સંચાલિત આંતરિક મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં અનેક જાનહાનિ થવાની આશંકા છે.
તાલિબાન પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, “આજે સવારે કાબુલ લશ્કરી એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સંખ્યાબંધ નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા.” તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ મૃતકોની સંખ્યા જાહેર કરી નથી પરંતુ કહ્યું છે કે આ ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે, અને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ અંગે તપાસ ચાલી રહી છે.
તાલિબાન સત્તાવાળાઓએ ઓગસ્ટ 2021માં સત્તા પર પાછા ફર્યા પછી સુરક્ષામાં સુધારો કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ ત્યાં ઘણા બધા બોમ્બ વિસ્ફોટો અને હુમલાઓ થયા છે. આ બધા હુમલાઓ અને વિસ્ફોટો Daesh જૂથના લોકો દ્વારા કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગયા મહિને કાબુલની એક લોકપ્રિય હોટેલમાં ચાઈનીઝ વ્યાપારીઓ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો ત્યારે ઓછામાં ઓછા પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલો પણ Daesh દ્વારા કરવામાં આવ્યો હતો.
એ હકીકત છે કે તાલિબાન સત્તામાં પાછા આવ્યા ત્યારથી અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોના સભ્યો સહિત સેંકડો લોકો બોમ્બ વિસ્ફોટો અને હુમલાઓમાં માર્યા ગયા છે અથવા તો ઘાયલ થયા છે.