મોદીનાં માતા હીરાબાનું નિધન
વડા પ્રધાનનાં માતુશ્રી હીરાબા પંચમહાભૂતમાં વિલીન: મોદી સહિત પુત્રોએ આપ્યો અગ્નિદાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શતાયુ માતા હીરાબાનું અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારની વહેલી સવારે ૩.૩૦ કલાકે દુ:ખદ નિધન થયું હતું. હીરાબાના પાર્થિવદેહને હોસ્પિટલમાંથી ગાંધીનગરમાં વડા પ્રધાનનાં ભાઇનાં ઘરે લઇ જવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી વહેલી સવારે જ દિલ્હીથી ગાંધીનગર આવ્યા બાદ માતા હીરાબાની અંતિમયાત્રા વડા પ્રધાન સાથે તેમના તમામ ભાઇએ માતાનાં મૃતદેહને કાંધ આપી હતી.
હીરાબાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્વજનો જોડાયા હતા. ગાંધીનગરનાં સેક્ટર ૩૦માં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર ભાઇઓએ માતાના પાર્થિવ દેહને અગ્નિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્ર્વર ચરણોમાં વિરામ…મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને ૧૦૦માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
હીરાબાને મંગળવારની રાત્રે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા તેમ જ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાબડતોબ નવી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા તેમજ માતાના બેડ પાસે જઇને દોઢ કલાક જેટલો સમય તેમની સાથે વિતાવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વ્રારા પણ ગુરુવારની સાંજ સુધી હીરાબાની તબિયત સુધારા પર હોવાના હેલ્થ બુલેટીન બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ શુક્રવારની વહેલી પરોઢે તેમનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું હતુ. નરેન્દ્ર મોદી સવારે ૭.૪૫ કલાકે અમદાવાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામે પંકજ મોદીના ઘરે ગયા હતા. મૃતદેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતાં જ હીરાબાની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ હતી. સેક્ટર-૩૦ સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. વડા પ્રધાનનાં માતાના નિધનથી થયેલું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ ૧૦૦ વર્ષના થયા હતા. હીરાબાના ૧૦૦માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી.
નરેન્દ્ર મોદીએ પોતાની માતાને ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી.