આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે ગુજરાત ભાજપે રાજ્યના તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાન શરુ કર્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પટેલે રાજકોટથી આ સફાઈ અભિયાન શરુ કરાવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના પ્રધાનો સહીત કાર્યકર્તાઓ વિવિધ યાત્રાધામો ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન અંતર્ગત રાજ્યના 24થી વધુ યાત્રાધામોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં જાતે ઝાડું મારીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરમાં હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી તીર્થસ્થાન સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, તેમની સાથે કુંવરજીભાઈ બાવળિયા પણ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા કચરો વીણતા જોવા મળ્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં સફાઈ અભિયાન ચલાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ જોડાયા હતા. મંદિરની પાછળથી દારૂની ખાલી બોટલો પણ મળી હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે અમદાવાદના ભદ્રકાળી મંદિરના પરિસરની સફાઈ કરીને આ અભિયાનમાં જોડાયા હતા. હર્ષ સંઘવીએ હાથમાં ગ્લોવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. તેમની સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ જોડાયા હતા. ત્યાર બાદ હર્ષ સંઘવી જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે ત્રણેય રથોના પૂજનમાં હાજર રહ્યા હતા. આજે અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.