કવર સ્ટોરી -વિજય વ્યાસ
દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલાં ત્રણ ટચૂકડાં રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. આ ત્રણ રાજ્યો પૈકી ત્રિપુરામાં ભાજપ પોતાની તાકાત પર સરકાર રચશે એ નક્કી છે. નાગાલેન્ડમાં ફરી ભાજપ અને સાથી પક્ષ એનડીડીપીની સરકાર રચાશે એ પણ નક્કી થઈ ગયું છે. મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સ્પષ્ટ બહુમતી નથી મળી પણ ભાજપ સાવ ધોવાઈ ગયો છે તેથી ગરજે ગધેડાને બાપ કહેવો પડે એ હિસાબે બંને એકબીજાને બાપ બનાવીને સરકાર રચશે એ નક્કી છે. ટૂંકમાં ત્રણેય રાજ્યોમાં ભાજપ સીધી રીતે કે કોઈની પાલખી ઊંચકીને પણ સત્તામાં આવી જશે.
ભાજપ ભલે ત્રણેય રાજ્યોમાં પોતાની ભવ્ય જીત થયાની વધાઈ ખાતો પણ વાસ્તવમાં આ પરિણામો ભાજપ માટે એટલાં હરખાવા જેવાં નથી. ભાજપ ત્રિપુરામાં સત્તા જાળવવામાં સફળ થયો એ ચોક્કસ મોટી વાત છે પણ બાકીનાં બે રાજ્યોમાં ભાજપે હરખાવા જેવું કંઈ નથી. તેમાં પણ મેઘાલયમાં તો ભાજપનું નાક વઢાઈ ગયું છે એમ કહીએ તો ચાલે.
આ ત્રણેય રાજ્યોમાં કુલ મળીને વિધાનસભાની ૧૮૦ બેઠકો થાય. તેમાંથી ૧૭૮ બેઠકો માટે ચૂંટણી થયેલી ને તેમાંથી ભાજપે કુલ મળીને ૪૭ બેઠકો જીતી છે. ભાજપે માંડ પચીસ ટકા બેઠકો જીતી છે ને એક જ રાજ્યમાં પોતાના જોરે સત્તા મેળવી છે. આંકડાની રીતે આ બહુ પ્રભાવશાળી દેખાવ ના કહેવાય પણ ત્રણેય રાજ્યોમાં ભાજપ જોડાણો કરીને પણ સત્તા મેળવી શક્યો છે એ નોંધવું જોઈએ.
ભાજપ માટે ત્રણેય રાજ્યોમાં સૌથી મોટી જીત ત્રિપુરાની છે કેમ કે ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ભાજપ ફરી પોતાની જ તાકાત પર સરકાર રચી શકશે, કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે. ત્રિપુરામાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં એ કબૂલવું પડે. એન્ટિ ઈન્કમ્બન્સીના કારણે ભાજપ ત્રિપુરા ગુમાવશે એવું પણ ઘણાંને લાગતું હતું. ડાબેરી-કૉંગ્રેસ એક થઈને લડ્યા હતા જ્યારે કૉંગ્રેસ છોડીને આવેલા ભૂતપૂર્વ રાજવી પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેવ બર્મને બનાવેલી ટીપરા મોથા પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું. આ કારણે ભાજપને તકલીફ પડશે એવું લાગતું હતું પણ વાસ્તવમાં આ જ વાત ભાજપને ફળી ગઈ છે.
ભાજપ વિરોધી મતો ડાબેરી-કૉંગ્રેસ અને ટીપરા મોથા પાર્ટી વચ્ચે વહેંચાતાં ભાજપની જીત થઈ છે. ડાબેરીઓએ ૪૭ અને કૉંગ્રેસે ૧૩ બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે ટીપરા મોથાએ ૪૨ સીટ પર ચૂંટણી લડી હતી. આમ મોટા ભાગની બેઠકો પર ત્રિકોણીય સ્પર્ધા હતી ને તેથી ભાજપ જીતી ગયો છે. ભાજપ ૨૦૧૮માં ૪૪ ટકા મત સાથે ૩૬ બેઠક જીતી હતી જ્યારે આ વખતે ભાજપને ૩૯ ટકાની આસપાસ મત મળ્યા છે. આમ તેની મતોની ટકાવારીમાં પાંચ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે પણ બેઠકો ત્રણ જ ઘટી છે કેમ કે ભાજપ વિરોધી મતો વહેંચાઈ ગયા.
ભાજપે ચૂંટણીના થોડાક મહિના પહેલાં બિપ્લબ કુમાર દેબને બદલીને કૉંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુ માણિક સહાને મુખ્યમંત્રીપદે બેસાડેલા. હવે ભાજપ ફરી સહાને ગાદી પર બેસાડે છેકે કોઈ નવા મૂરતિયાને પોંખે છે એ જોવાનું છે પણ ભાજપની સરકાર રચાશે એ નક્કી છે. નરેન્દ્ર મોદી સરકારનાં મંત્રી પ્રતિમા ભૌમિકને પણ વિધાનસભાની ચૂંટણી લડાવાઈ હતી ને પ્રતિમા જીતી પણ ગયાં છેએ જોતા પ્રતિમા પણ મુખ્યમંત્રી બની શકે છે.
નાગાલેન્ડમાં ભાજપની સાથી પાર્ટી નાગાલેન્ડ નેશનલ ડેમોક્રિક પાર્ટી (એનડીપીપી)ને સ્પષ્ટ બહુમતી મળી નથી પણ નાગાલેન્ડમાં ભાજપ અને નાગાલેન્ડ નેશનલ ડેમોક્રિક પાર્ટી (એનડીપીપી) જોડાણ કરીને લડેલાં તેથી કોઈ મુદ્દો નથી. ભાજપ ૨૦ બેઠકો પર જ્યારે એનડીપીપી ૪૦ બેઠકો પર લડેલાં ને તેમાંથી ભાજપે ૧૨ બેઠકો જીતી છે જ્યારે એનડીપીપીએ ૨૫ બેઠકો જીતી છે.
ભાજપે ૨૦૧૮ની ચૂંટણીમાં પણ ૧૨ બેઠકો જીતી હતી એ જોતા તેની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી પણ સામે ૨૦૧૮ની ચૂંટણીમાં ૧૮ બેઠકો જીતનારી નેઈફુ રીયોની એનડીપીપીએ ૭ બેઠકો વધારે જીતીને પોતાની બેઠકોનો આંકડો ૨૫ પર પહોંચાડ્યો છે. મતોની ટકાવારીની રીતે પણ ભાજપને ૨૦૧૮ની ચૂંટણીમાં મળેલા મતોની સરખામણીમાં ૩.૫ ટકાનો વધારો થયો છે જ્યારે એનડીપીપીને ૨૦૧૮ની ચૂંટણીમાં મળેલા મતોની સરખામણીમાં ૭ ટકા મત વધારે મળ્યા છે એ જોતાં આ જીત એનડીપીપીની છે.
નાગાલેન્ડની ચૂંટણીમાં તો એક રસપ્રદ વાત એ છે કે, એનડીપીપી અને ભાજપ પછી ત્રીજા નંબરે શરદ પવારની એનસીપી છે. એનસીપી ૧૨ બેઠકો પર લડી હતી ને તેમાંથી ૭ બેઠકો જીતી છે. એનસીપીની પોતાની કોઈ તાકાત નથી પણ કોંગ્રેસ અને ભાજપથી દુભાયેલા નેતા એનસીપીને પસંદ કરે છે એ વાત મહત્ત્વની છે. આશ્ર્ચર્યની વાત એ છે, રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની પાર્ટી પોતાના રાજ્ય બિહારમાં વિધાનસભાની એક જ બેઠક જીતી શકેલી જ્યારે અહીં બે બેઠકો જીતી ગઈ છે.
આ પ્રાદેશિક પક્ષોની સરખામણીમાં કૉંગ્રેસનો દેખાવ સાવ શરમજનક છે. કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. રામદાસ આઠવલેને મહારાષ્ટ્રની બહાર કોઈ ઓળખતું નથી ને છતાં તેમની પાર્ટી રિપપ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા બે બેઠકો જીતી ગઈ છે ત્યારે કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય.
નાગાલેન્ડની ચૂંટણીમાં રચાયેલા એક ઈતિહાસની વાત પણ કરી લઈએ. નાગાલેન્ડની દિમાપુર ૩ બેઠક પર હેકાની જાખાલુ જીત્યાં છે. હેકાની જાખાલુ નાગાલેન્ડનાં પ્રથમ મહિલા ધારાસભ્ય છે. નાગાલેન્ડ ૧૯૬૩માં રાજ્ય બન્યું ત્યારથી અત્યાર સુધી કોઈ મહિલા વિધાનસભાની ચૂંટણી જીત્યાં નહોતાં. હેકાની જાખાલુએ એ મહેણું ભાંગીને નાગાલેન્ડના પહેલાં મહિલા ધારાસભ્ય બનવાનું સન્માન મેળવ્યું છે.
મેઘાલયમાં ભાજપ ફરી કોનરાડ સંગમાની પાલખી ઊંચકીને ફરવા તૈયાર છે એ જોતાં મેઘાલયમાં પણ ભાજપ સરકારમાં આવી જશે એવું લાગે છે પણ વાસ્તવમાં મેઘાલયમાં ભાજપની ઈજ્જતનો કચરો થઈ ગયો છે. મેઘાલયમાં ભાજપે પોતાની પૂરી તાકાત નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના કોનરાડ સંગમાને હરાવવામાં લગાવી દીધી હતી એમ કહીએ તો ચાલે.
ભાજપના બન્ને ધુરંધરો નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેઘાલયમાં કોનરાડ સંગમાને હરાવવા મેદાનમાં આવી ગયેલા. અમિત શાહ તો કોનરાડ સંગમાની સરકારને મેઘાલયના ઈતિહાસમાં આવેલી સૌથી ભ્રષ્ટ સરકાર કહેતા હતા. નરેન્દ્ર મોદી પણ દાવો કરતા હતા કે, અમે કેન્દ્રમાંથી સૂંડલે સૂંડલા ભરીને રૂપિયા મેઘાલયના વિકાસ માટે મોકલીએ છીએ પણ કોનરાડ સંગમા મેઘાલયના વિકાસ માટે એ વાપરતા જ નથી.
કોનરાડ સંગમા પણ ગાંજ્યા જાય એવા છે નહીં તેથી તેમણે પણ એ જ ભાષામાં જવાબ આપેલા. ભાજપ માટે શરમજનક વાત એ હતી કે, કોનરાડ સંગમાએ પોતાના મતવિસ્તાર તુરામાં મોદીની સભાને મંજૂરી નહોતી આપી. મોદી તુરાના પી.એ. સંગમા સ્ટેડિયમમાં સભા કરીને કોનરાડ સંગમાની મેથી મારવા માગતા હતા પણ કોનરાડે સભાને મંજૂરી જ ન આપી.
કોનરાડ સંગમાએ ભાજપના સૌથી મોટા નેતા મોદીની પણ પોતાને કંઈ પડી નથી એનો સ્પષ્ટ મેસેજ આપીને ભાજપનું હળહળતું અપમાન કરી નાખેલું. નકટો ભાજપ એ છતાં કોનરાડ સંગમા માટે લાલ જાજમ પાથરીને અછોવાનાં
કરી રહ્યો છે એ ભાજપની સત્તાલાલસા કેટલી પ્રબળ છે તેનો પુરાવો છે. ભાજપને સત્તા સિવાય કશામાં રસ નથી ને સત્તા માટે સ્વમાનને કોરાણ મૂકતાં પણ તેને શરમ નથી આવતી તેનો આ પુરાવો છે. કોનરાડ સંગમાએ ભાજપને તેની હૈસિયત બતાવી દીધી ને છતાં ભાજપ કોનરાડના તળવાં ચાટે છે.
મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પશ્ર્ચિમ બંગાળથી બહાર નીકળીને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પોતાનો પગ જમાવવા મથે છે પણ ફાવતી નથી. આ પહેલાં તૃણમૂલ કૉંગ્રેસે આસામ અને મણિપુરમાં ઘૂસવાની મથામણ કરેલી પણ સફળતા મળી નહોતી. આ ત્રણેય રાજ્યોમાં એ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે એમ તો ન કહી શકાય કેમ કે મેઘાલયમાં તૃણમૂલ કૉંગ્રેસે પાંચ બેઠકો જીતીને નોંધ લેવડાવી છે. મેઘાલયમાં તૃણમૂલ કૉંગ્રેસે કૉંગ્રેસ જેટલી જ બેઠકો જીતી છે ને ભાજપ કરતાં તો વધારે બેઠકો જીતી છે એ પણ ના ભૂલી શકાય.
મેઘાલયમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા કૉંગ્રેસ છોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયેલા. સંગમાની પોતાની રાજકીય તાકાત છે જ ને તેનો લાભ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને મળ્યો છે. મુકુલ સંગમા જેવા નેતા કેટલા સમય સુધી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ટકશે એ સવાલ છે એ જોતાં મેઘાલયમાં મમતા બેનરજીએ એન્ટ્રી કરી લીધી છે એમ કહેવું જરાક વહેલું છે.
કોનરાડ સંગમાને સ્પષ્ટ બહુમતીમાં પાંચ બેઠકો ખૂટે છે ને તૃણમૂલ કૉંગ્રેસ પાસે પાંચ જ ધારાસભ્યો છે એ જોતાં કોનરાડ સંગમા પણ મુકુલ સંગમા સહિતની આખી તૃણમૂલ કૉંગ્રેસને ખેંચી જઈને ભાજપ કે બીજા પક્ષના ઓશિયાળા થઈને રહ્યા વિના પાંચ વર્ષ નિરાંતે રાજ કરવાનું પસંદ કરે એવું બને એ જોતાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ માટે કંઈ પણ કહેવું વહેલું છે. અત્યારે તો તૃણમૂલ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે એવો સંતોષ મમતા બેનરજી લઈ શકે છે.