કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ચૂંટણીના વર્ષમાં સત્તાવિરોધી અને આંતરિક જૂથવાદ સામે ઝઝૂમી રહેલી કર્ણાટક ભાજપ સેમીકન્ડક્ટરની મદદથી સત્તાનો માર્ગ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટક સરકારે કેન્દ્રને મૈસૂરમાં પ્રસ્તાવિત સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટને ટૂંક સમયમાં મંજૂરી આપવા કહ્યું છે. આ ફાઇલ મંજૂરી માટે લગભગ 3 મહિનાથી કેન્દ્ર પાસે છે.
કર્ણાટકમાં માર્ચમાં 224 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જેની જાહેરાત ફેબ્રુઆરીના પહેલા કે બીજા સપ્તાહમાં થવાની ધારણા છે. બીએસ બોમાઈના નેતૃત્વમાં રાજ્યમાં ભાજપની સરકાર છે, જે સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે.
2019માં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ બીએસ યેદિયુરપ્પા કર્ણાટકમાં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, 2023ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને હટાવીને બીએસ બોમાઈને કમાન સોંપી હતી.
ભારતના દક્ષિણ ભાગમાં 5 રાજ્ય કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે. તેમાંથી કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે, તેથી કર્ણાટક રાજ્ય ભાજપ માટે ઘણું મહત્વનું છે.