કર્ણાટકના કોલાર જિલ્લાના બીજેપી સાંસદ એસ મુનિસ્વામીએ 8 માર્ચે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર જ એક કાર્યક્રમ દરમિયાન એક મહિલાનું જાહેરમાં અપમાન કર્યું હતું. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મોકા પર જ તેમણે એક વેપારી મહિલાને કપાળ પર બિંદી ન લગાવવા બદલ જાહેરમાં ઠપકો આપ્યો હતો. હવે આ ઘટનાને લઈને બીજેપી સાંસદની ઘણી ટીકા થઈ રહી છે.
કોલારના લોકસભા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર પ્રદર્શન અને વેચાણ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મેળાના અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લેતા ભાજપના સાંસદ એસ મુનિસ્વામીએ એક મહિલા વિક્રેતાને ઠપકો આપતા કહ્યુ કે, “પહેલા બિંદી લગાવીને આવો, તમારા પતિ જીવિત છે, છે ને? તમને કોમન સેન્સ નથી.”
મહિલાને ઠપકો આપતા સાંસદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ વીડિયો પર ધારદાર કોમેન્ટ કરી રહી છે અને સાંસદને મહિલાઓનું સન્માન કરવાની સૂચના આપી રહી છે. આ ઘટનાની નિંદા કરતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
આ વિવાદ બાદ હજુ સુધી સાંસદ મુનિસ્વામીની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.