ભાજપના નેતાનો દાવો: વિસ્તરણમાં ચાર મહિલા પ્રધાનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ વિધાનસભાના શિયાળુ સત્ર પહેલાં કરવામાં આવશે એમ કહેવાતું હતું, પરંતુ મુંબઈ સમાચારે લગભગ મહિના પહેલાં જણાવ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ શિયાળુસત્ર પહેલાં નહીં કરવામાં આવે અને તે વાત હવે સાચી પુરવાર થઈ ગઈ છે. આ બધાની વચ્ચે શુક્રવારે કેબિનેટના વિસ્તરણ બાબતે એક મહત્ત્વની વાત સામે આવતાં હવે કેબિનેટનું વિસ્તરણ વિધાનસભાનું શિયાળુ સત્ર પૂરું થયા બાદ કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે. આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારના બીજા તબક્કાના વિસ્તરણમાં ત્રણથી ચાર ખાતા મહિલા વિધાનસભ્યને આપવામાં આવશે એવી મને આશા છે, એમ ભાજપની આક્રમક મહિલા નેતા ચિત્રા વાઘે શુક્રવારે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું.
તેમણે એવી પણ ટકોર કરી હતી કે શક્ય હોય તો મહિલા અને બાળ કલ્યાણ વિભાગનું ખાતું એક વખત કોઈ પુરુષ પ્રધાનને આપી જુઓ.
તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે વિધાનસભામાં સૌથી વધુ ભાજપના સભ્યો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં પણ ભાજપે પોતાના ક્વોટામાંથી મહિલાઓને વિધાનસભ્ય બનવાની તક આપી હતી. આ બાબતને જોતાં કેબિનેટમાં પણ મહિલાઓને સ્થાન આપવામાં આવશે. મારી માગણી તો ચાર મહિલા પ્રધાન બનાવવાની છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ મહિલાઓને પ્રાધાન્ય આપતો પક્ષ છે. મહિલાઓને પ્રધાનપદ આપવાની વાત આવે કે તરત આંખ બંધ કરીને તેમને મહિલા અને બાળકલ્યાણ ખાતું સોંપી દેવામાં આવે છે. એકાદ વખત આ ખાતું પુરુષને આપી જુઓ, ખબર પડે કે આ ખાતું સંભાળતી વખતે કેટલી મુસીબતોનો સામનો કરવો પડે છે. અત્યારે મંગલપ્રભાત લોઢા પાસે આ ખાતું છે અને તેમને અમારી તકલીફોનો અંદાજ આવતો હશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પક્ષ પાસે અનેક મહિલા વિધાનસભ્યો છે જે અત્યંત અનુભવી છે. આગામી દિવસોમાં મહિલા પ્રધાન જોવા મળશે.