મહારાષ્ટ્રમાં પાછલા વર્ષે થયેલ સત્તાંતરણને કારણે મહાવિકાસ અઘાડીની સરકાર પડી ભાંગી. શિવસેનામાં પડેલ ભાગલાને કારણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એટલું જ નહીં પણ સાચી શિવસેના કોની એ અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેનું કારણ શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો અને 13 સાંસદે એકનાથ શિંદેને ટેકો આપ્યો હતો. શિંદે-ઠાકરે સંઘર્ષ બાબતે બંને પક્ષના દસ્તાવેજો ચકાસ્યા બાદ ચૂંટણી આયોગે એકનાથ શિંદેની તરફેણમાં નિર્ણય આપતા શિવસેનાનું નામ અને ઘનુષ્યબાણનું નિશાન વાપરવાની પરવાનગી પણ આપી હતી. જોકે ઠાકરે માટે હવે એકનાથ શિંદે સામે શિવસેના ચલાવવીએ મોટો પડકાર છે. ભાજપ સાથે શિવસેના હાલમાં રાજ્યમાં સત્તામાં છે. એમાં મુખ્યપ્રધાનનું પદ પણ શિવસેના પાસે છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં એક વર્ષ બાકી છે ત્યારે શિવસેના-ભાજપ કેટલી બેઠકો પર ચૂંટણી લઢશે એ અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રશેખર બાવનકુલે દ્વારા કરવામાં આવેલ વિધાનને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપની એક બેઠકમાં બાવનકુલેએ આ વાત પોતાના વક્તવ્યમાં કહી છે.
રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાવનકુલેએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ‘2024ની ચૂંટણીમાં આપણી બેઠકો ગમે તેટલી આવે 150-170 પણ આપડે 240 બેઠકો પર લડવાનું વિચારી રહ્યાં છીએ. કારણ કે શિંદેની શિવસેના પાસે 50 બેઠકો છે. એ બેઠકો પર એમની પાસે કોઇ નથી. 240 બેઠકો પર લઢવા માટે તમારે તમારી ટિમને એલર્ટ કરવું પડશે. તમારી પાસે હાલમાં ઘણું કામ છે’ આવું વિધાન ચંન્દ્રશેખર બાવનકુલેએ કર્યુ હતું.
જોકે ચંન્દ્રશેખર બાવનકુળેનો આ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ દ્વારા તરત સાવચેતીના પગલે તમામ સોશિયલ પ્લેટફોર્મ પરથી વિડીયો ડીલીટ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓને પ્રોત્સહિત કરવા માટે પ્રદેશ અધ્યક્ષએ આવું વિધાન કર્યુ હોવાની વાતો ભાજપના વરિષ્ઠ નેતા કરી રહ્યાં છે અને આખી ઘટનાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપની આ બૈઠક આંતરિક હતી અહીં પ્રસાર માધ્યમોને પ્રવેશ ન હતો. જોકે આ વિડીયો ને કારણે હવે શું શિવસેના-ભાજપ વચ્ચે તિરાડ પડશે? એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે.