ઉમેશ પાલ હત્યાંકાંડના આરોપી અતીક અહેમદના ફરાર દીકરા અસદ અહેમદને UP એસટીએફે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઢેર કરી દીધો છે અને તેની સાથે તેના સાથીદાર ગુલામ મહોમ્મદનું પણ એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે. આ એન્કાઉન્ટર મુદ્દે સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવની સૌથી પહેલી પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે આને ખોટું એન્કાઉન્ટર કહીને ભાજપ (ભારતીય જનતા પક્ષ) આવા એન્કાઉન્ટર કરાવીને જનતાને ભટકાવી રહી હોવાનો દાવો કર્યો હતો.
અખિલેશ યાદવે ટવિટ કરીને લખ્યું હતું કે બનાવટી એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. ભાજપના લોકો ન્યાયતંત્ર પર વિશ્વાસ જ નથી કરતાં. આજે થયેલા એન્કાઉન્ટરની સઘન તપાસ થવી જોઇએ અને દોષીઓને માફ ન કરવા જોઇએ. સાચા અને ખોટાં નિર્ણયોનો અધિકાર સત્તાધીશોને હોતો નથી. વાસ્તવમાં ભાજપ એકતા અને ભાઇચારાના વિરોધમાં છે.
દરમિયાન યુપીના લો એન્ડ ઓર્ડરના એડીજી (એડિશનલ ડાયરેક્ટર જનરલ) પ્રશાંત કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આવા ગુનેગારો/ગુંડાઓ અને માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને કામ કરી રહ્યાં છીએ. જેનું પરિણામ આવ્યું છે. 24મી ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ઘૂમનગંજમાં એક મોટી ઘટના બની હતી. જેમાં એક મૂખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી. જેમાં અમારા બે બહાદૂર સાથીદારો જેઓ આ સાક્ષીની સૂરક્ષામાં હતાં તેઓ પણ શહિદ થયા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે તે વખત થી જ ઉત્તર પ્રદેશ પોલીસે ટીમ બનાવી અને સમયાંતરે કાર્યવાહી પણ થઇ. આ ઘટનામાં જે પાંચ લોકોની ઓળખ થઇ હતી તેમના પર પાંચ – પાંચ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અરમાન, અસદ, ગુડ્ડુ અને સાબિર હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ એન્કાઉન્ટર બાદ કાનૂન અને વ્યવસ્થાને લઇને એક બેઠક યોજી હતી. જેમાં સીએમ યોગીએ એસટીએફની સાથે સાથે ડીજીપી, સ્પેશીયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને આખી ટીમની પ્રશંસા કરી હતી.