* ભૂપેન્દ્ર પટેલની સોમવારે શપથવિધિ
* વિક્રમજનક બેઠકો સાથે ફરી સત્તા પર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૧૯૯૮થી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીનો સળંગ સાતમી વાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો છે. ભાજપે કૉંગ્રેસના સૂપડાં સાફ કરીને ૧૫૬ જેટલી બેઠકો સાથે સૌથી વધુ બેઠકોનો વિક્રમ સર્જ્યો છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડાયેલી આ ચૂંટણીમાં ૨૦૦૨ની ચૂંટણીના ૧૨૭ બેઠકનો વિક્રમ તૂટ્યો છે તેમજ કૉંગ્રેસ ૧૭ બેઠક સુધી નીચે પટકાઇ છે. નરેન્દ્ર મોદીએ આ આખી ચૂંટણીની પ્રચાર કમાન સંભાળી હતી. ૨૦૧૭ ની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને કૉંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. આ વખતે ત્રિપાંખિયા જંગમાં આપને પણ પાંચ બેઠક મળી હતી. કૉંગ્રેસને માત્ર ૧૭ બેઠક મળતા વિધાનસભામાં વિપક્ષી પદથી પણ વંચિત રહેવું પડશે એવું ચર્ચાઇ રહ્યું છે. બીજી બાજુ પ્રચંડ વિજય બાદ નવી સરકારની શપથવિધિ સંભવત: ૧૨મીને સોમવારે થવાની પણ શક્યતા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૦ મોટા માથાં એક લાખથી વધુ સરસાઇથી જીત્યા હતા, જ્યારે તેમની સરકારના ૨૦ પ્રધાનમાંથી ૧૯ પ્રધાન વિજયી થયાં છે અને એક પ્રધાન હાર્યા હતા.
ગુજરાતમાં ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસને વૉટબૅન્કમાં મોટું ગાબડું પાડયું હતું. ભાજપને કુલ ૫૨.૫ ટકા વોટ મળ્યાં હતાં. કૉંગ્રેસને ૨૭.૩ ટકા અને આપને ૧૨.૯ ટકા વૉટ મળ્યાં હતા. ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીના મતદાન બાદ ગુરુવારે દરેક જિલ્લા મથકોએ થયેલી મતગણતરીની શરૂઆતમાં જ ભાજપની વિજયકૂચ શરૂ થઇ હતી. ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છની કુલ ૫૪ બેઠકોમાંથી ભાજપે ૪૬ બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે કૉંગ્રેસને માત્ર ૩ બેઠક અને આપને ચાર બેઠક મળી હતી. કુતિયાણાની બેઠક પરથી એનસીપી છોડીને સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા કાંધલ જાડેજાનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં કૉંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. મધ્ય ગુજરાતની ૬૧ બેઠકમાંથી ૫૫ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું હતું, જ્યારે કૉંગ્રેસને માત્ર પાંચ અને એક બેઠક ભાજપના બળવાખોર અપક્ષને મળી હતી. દક્ષિણ ગુજરાતની કુલ ૩૫ બેઠકમાંથી ભાજપનો ૩૩ બેઠક પર વિજય થયો હતો, જ્યારે એક માત્ર વાંસદા બેઠક પર કૉંગ્રેસના અનંત પટેલનો વિજય થયો હતો. દેડિયાપાડા બેઠક પર આપના ચેતર વસાવાનો વિજય થયો હતો. બીટીપીને તેના ગઢમાં પહેલીવાર એક પણ બેઠક મળી નથી. ઉત્તર ગુજરાતની ૩૨ બેઠકમાંથી ૨૨ બેઠક ભાજપને ફાળે ગઇ હતી, જ્યારે કૉંગ્રેસને આઠ બેઠક અને ભાજપના બે બળવાખોર ધવલસિંહ ઝાલા (બાયડ બેઠક) અને માવજી દેસાઇ ( ધાનેરા બેઠક) પરથી જીત્યા હતા.
આ ચૂંટણીમાં કૉંગ્રેસના ૪૪ અને આપના ૧૨૮ ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી. શુક્રવારે અથવા ૧૦મી ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ૧૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે. નવી સરકારની શપથવિધિની શક્યતા છે.
અત્રે ઉલ્લખનીય છે કે ભાજપે ૧૫૬ સીટ જીતી લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો ૧૪૯ સીટનો અને નરેન્દ્ર મોદીનો ૨૦૦૨નો ૧૨૭ સીટનો રેકોર્ડ તોડી નાખ્યો છે.