ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંન્દ્રશેખર બાવનકુળે બુધવારે મુંબઇમાં નવી કાર્યકારણીની ઘોષણા કરવાના છે. આ કાર્યકારણીમાં લગભગ 80 ટકા નવા ચહેરા હશે તેમ ચર્ચાઇ રહ્યું છે. 6 મહામંત્રી, 16 ઉપાધ્યક્ષ, 16 સચિવ સહિત 105ની કાર્યકારણી હશે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા લેવામાં આવનાર આ નિર્ણય મહારાષ્ટ્ર પ્રદેશના રાજકારણમાં ભૂકંપ લાવી શકે છે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
સામાન્ય રીતે કેટલાંક વિધાનસભ્યોને મહામંત્રી અથવા ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવે છે. માત્ર આ વખતે એ લોકોને આવો કોઇ અવસર પ્રાપ્ત નહીં થાય તેવી જાણકારી મળી રહી છે. તેની જગ્યાએ પક્ષના તમામા વિધાનસભ્યોની વિધાનસભા મતદારસંઘના સમન્વયક તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદેશ કાર્યકારણીની યાદી બાવનકુળેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરીને નક્કી કરી છે. આ નામોને પક્ષના કેન્દ્રિય નેતૃત્વમાંથી પણ માન્યતા મળી ગઇ છે. બાવનકુળેએ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ માત્ર મહામંત્રીની નિમણૂંક કરી હતી. જોકે બાકીની કાર્યકારણી પહેલાં જેવી જ રાખી હતી.
આ સાથે સમન્વયકોની નિમણૂંક વહેલી તકે જાહેર કરવામાં આવશે. વિધાનસભ્યોને તેમના મતદારસંઘ ઉપરાંત અન્ય મતદારસંઘની જવાબદારી આપવામાં આવશે. આવતાં વર્ષે લોકસભાની ચૂંટણી અને ત્યાર બાદ વિધાનસભાની ચૂટંણી પણ થવાની છે. ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમણૂંક કરવામાં આવશે.
મહામંત્રી, ઉપાધ્યક્ષ અને સચિવ આ પદ પર 30 ટકા મહિલા અનામત રાખવામાં આવશે. રાજ્યના મોટાભાગના જિલ્લા અધ્યક્ષ બદલવામાં આવનાર છે. તેમના નામોની ઘોષણા 15 થી 20 દિવસમાં કરવામાં આવશે. જિલ્લાધ્યક્ષના પદ માટે દરેક જિલ્લામાંથી કેટલાંક નામોની યાદી બનાવવામાં આવી છે. તેમણે પક્ષ માટે કરેલા કાર્યો, વિવિધ ચૂંટણીમાં તેમનું યોગદાન, તેમની પ્રતિષ્ઠા અને જાતિય સમિકરણો જેવા વિવિધ મુદ્દાઓને આધારે જિલ્લા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવનાર છે. રાષ્ટ્રિય સવ્યંસેવક સંઘના કેટલાંક પદાધિકારીઓ પાસેથી જિલ્લા સ્તરે ફિડબેક પણ લેવામાં આવ્યો છે. તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે આજે નામોની ઘોષણા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ભૂંકપની શક્યતા વર્તાઇ રહી છે.