કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને લઈને ભાજપે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ભાજપે કર્ણાટકની જનતાના મત આકર્ષવા માટે ઘણા વચનો આપ્યા છે. કોંગ્રેસની યોજનાઓ સામે ભાજપે મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ સિવાય પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ અને નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (NRC) લાગુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી તેને ‘લોકોનું ઘોષણાપત્ર’ ગણાવી રહી છે. આ સાથે રાજ્યની મહિલા મતદાતાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થવાનું છે અને 13 મેના રોજ મતગણતરી થશે.
બીજેપીએ ઉગાડી, દિવાળી અને ગણેશ ચતુર્થીના દિવસે ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. તેમજ બીપીએલ કાર્ડ ધારકોને દરરોજ મફત નંદીની દૂધ મળશે. પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ફરીથી સરકાર બનાવવામાં સફળ થશે તો બેંગલુરુને રાજધાની પ્રદેશ તરીકે વિકસાવવામાં આવશે.
ભાજપ પ્રવક્તાએ માહિતી આપી છે કે 6 લાખથી વધુ લોકોના સૂચનો લીધા બાદ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. દક્ષિણના રાજ્યોમાં સંગઠનને બજબુત કરવા તરફ ધ્યાન આપી રહેલી ભાજપ માટે આ ચૂંટણી ઘણી મહત્વની સાબિત થશે.
ભાજપના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય બાબતો:
1. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના અમલ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.
2. PFI અને અન્ય જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
3. કર્ણાટકમાં NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન) લાગુ કરવામાં આવશે અને ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.
4. સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના ધોરણો મુજબ અપગ્રેડ કરવામાં આવશે.
5. વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે મફત આરોગ્ય તપાસની સુવિધા આપવામાં આવશે.
6. કલ્યાણ સર્કિટ, બનવાસી સર્કિટ, પરશુરામ સર્કિટ, કાવેરી સર્કિટ, ગંગાપુરા સર્કિટના વિકાસ માટે 1500 કરોડ રૂપિયા આપવામાં આવશે.
7. શહેરી ગરીબો માટે પાંચ લાખ મકાનો આપવાનું વચન
8. મફત ભોજન માટે અટલ આહાર કેન્દ્ર ખુલશે.
9. વોક્કાલિંગા અને લિંગાયત માટે અનામતમાં બે-બે ટકાનો વધારો.
10. ત્રણ લાખ મહિલાઓને મફત બસ પાસ મળશે.
11. બેટા કુરબા, સિદ્દી, તલવારા અને પરિવરા સમુદાયોને આદિવાસી યાદીમાં સામેલ કરવામાં આવશે.
12. રાજ્યના 10 લાખ બેઘર લોકોને રહેવા માટે ઘર આપવામાં આવશે.
13. મહિલાઓ, એસસી એસટીના મકાનો માટે પાંચ વર્ષ દસ હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝીટ કરવામાં આવશે.
14. દેવ યાત્રા તિરુપતિ, અયોધ્યા, કાશી, રામેશ્વરમ, કોલ્હાપુર, સબરીમાલા અને કેદારનાથ જવા માટે ગરીબ પરિવારોને 25 હજાર રૂપિયાની મદદ.
15. મંદિરોના વહીવટને સંપૂર્ણ સ્વાયત્તતા આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે
16.રાજ્યની રાજધાની બેંગલુરુમાં ‘રાજ્ય રાજધાની પ્રદેશ’ની સ્થાપના કરવામાં આવશે.