ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતી કાલે છેલો દિવસ છે દરેક રાજકીય પક્ષ બાકી બચેલી બેઠકો પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે વધુ 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જયારે વડોદરાની માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી.
આજે ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટીકિટ આપી છે. માણસા બેઠક પર જયંતી પટેલને ટીકીટ આપવામાં આવી છે.
182 બેઠકોમાંથી એક માંજલરપુર બેઠક પર ભાજપનું કોકડું ગુંચવાયેલું છે. મળતી માહિતી પ્રમાણે, આ એક બેઠક પર પણ ઉમેદવારનું નામ આજ રાત સુધીમાં જાહેર થઇ શકે છે.
આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.