Homeઉત્સવદૂરબીન

દૂરબીન

મધુ રાયની વાર્તા -મધુ રાય

(ગતાંકથી ચાલુ)
ટાવરના લાઈટનિંગ રોડના સળિયાને તેના પગ અડકતાં વેંત! હેય! હંસમાંથી તે વેધરકોક બની જાય છે. વેધરકોક પવનની દિશામાં ચકળવકળ ફરે છે, ફરે છે, ફરતાં ફરતાં તે ઊંચે ઊડવા માંડે છે, પૃથ્વીથી ૧૧૫ માઈલ ઊંચે મંડરાય છે, મંડરાય છે, મંડરાતાં મંડરાતાં કૂકડામાંથી! માય માય! તે સ્પાય-સેટેલાઈટ બની જાય છે. સ્પાય-સેટેલાઈટ તેના પાવરફુલ વીડિયો કેમેરાઝ મેનહેટનની ઈમારતો ઉપર તૈનત કરે છે. સેવેનટીન એન્ડ બ્રોડવેના નુક્કડ ઉપરની બંધ પડેલી સ્વેટશોપના બિલ્િંડગના લોફ્ટમાંથી બનાવેલા કોન્ડોમીનિયમની ગ્લાસ સીલિંગમાંથી એક ડિવોર્સી, કામુક, તવંગર બ્રાઝીલિયન પેઈન્ટર તેને ગ્રાન્ડ આન્ટ તરફથી વારસામાં મળેલા આદમકદ મિરરમાં પોતાના રિફલેકશનને ચુંબન કરે છે. તેની સાથે જ સેટેલાઈટના ગળામાંથી તારું નામ લખેલી મારી ચિઠ્ઠી છૂટી પડે છે, હવામાં ગોળ ગોળ પેરાબોલા કોતરતી, તે પ્રણયપત્રિકા બારીમાંથી સંતાતી કામુક ડિવોર્સીના માદક ઓરડામાં પ્રવેશી હઠાત તેના હાથમાં જઈ પડે છે. પેઈન્ટર બારીમાંથી નદીની ઉસ પાર સિડકટીવ નજર નાખીને તને શોધે છે. પોતાના બંદૂક જેવા લાંબા દૂરબીનમાંથી તારી બારીને તાકે છે. જો જો! તારી થનારી પ્રેમિકા હાથ હલાવીને તને આમંત્રે છે. વ્હોટ ધ પક્ક! તારે એક દૂરબીન લઈ લેવું જોઈએ.
કરોબીની ઉમંગભરી સહાય બદલ આભાર માનવા હું પીળા ગુલાબના ગુલદસ્તા લઈને તેના ઘરે ગયો ત્યારે તેની માએ સાદ પાડીને પોતાના બંગાળી હસબન્ડ મિસ્ટર હાલદારને મારી ઓળખાણ આપતાં કહેલું કે ‘આ મિસ્ટર રોબી મહેતા; સામેની સાઈડના ફ્લેટમાં રહેવા આવેલા કરોબીના ઈન્ડિયન ફ્રેન્ડ; આપણને મળવા આવ્યા છે.’
મિસ્ટર હાલદારે આંખો આડે હાથ રાખીને સ્થિર પાંપણોથી મને જોયો; બેસાડી સ્કોચનો ગ્લાસ આપ્યો; પોતાનો ઉપાડેલો ગ્લાસ અધવચ્ચે સ્થિર રાખી મને સમજાવ્યું કે ‘કરોબી અમારી લાડે બગાડેલી ચંચળ છોકરી છે.’
મિસ્ટર હાલદારે મને ભીંત ઉપર ટાંગેલાં જામિની રાયનાં પેઈન્ટિંગ્ઝ અને ઘરમાં ઠેર ઠેર મૂકેલાં રામકિંકરના શિલ્પ બતાવ્યાં. કરોબીની માતા કેથી હાલદાર હાથમાં રેડ વાઈનનો ગ્લાસ ઉપાડી અમારી વાતોમાં જોડાવા આવ્યાં. તે બેકલેસ બ્લાઉઝ અને મોતીની માળાથી સોહામણાં લાગતાં હતાં. એ વારંવાર મને ધારી ધારીને જોતાં હતાં.
મિસ્ટર હાલદારે ગ્લાસવાળો હાથ હવે મારા ખભે મૂકેલો; ભીંત ઉપરનો એક ફોટો બતાવતાં તે મને કહેતા હતા, ‘આ જોયા, રોબીન્દ્રનાથ? અને આ બો-ટાઈ પહેરેલા માર ફાધર.’
‘ઓહો!’ મેં ફોટો તરફ આંગળી ચીંધી.
‘કરોબીનું નામ રોબીન્દ્રનાથની નોવલ ઉપરથી લીધું છે, રોકતો કરોબી.’
કેથી હાલદાર મારી પાસે આવી મને પૂછવા લાગ્યાં,
‘તમે ભાડેથી લીધો કે બાય કરી લીધો, તમારો કોન્ડો?’
મિસ્ટર હાલદારે આંખ મિચકારી, ‘વીમેન! એને બધું જાણવું હોય. એમાઈ રાઈટ?’ એમના ગ્લાસમાંથી બરફનાં ચોસલાં ખણકયાં. ‘કરોબી બહુ જ ઈમેજિનેટિવ છોકરી છે, તમે
જોયું હશે કે સેન્સિટીવ છે, વિદ્યુત જેવી તેજસ્વી છે. એને જેની ઉપર ક્રશ થાય તેની ઉપાસના કરવા માંડે છે. અને ડર નથી લાગતો હર્ટ થવાનો; પોતાનો પણ ડર નથી લાગતો, પેરેન્ટ્સનો, કોઈનો.’ મિસ્ટર હાલદારના ગ્લાસની નીચેથી પાણીનું ટીપું કુર્તા ઉપર પડ્યું. મિસ્ટર હાલદારે ત્યાં અંગૂઠો ઘસી જોયો. પછી નેપકીનથી ગ્લાસનું તળિયું લૂછી લીધું. ‘તેને ઈન્ડિયન ફિલ્મો જોવાનો પાગલ શોખ છે. તમારા જેવો કોઈ હેન્ડસમ ઈન્ડિયન પુરુષ જુવે તો તેના ઉપર તેને ‘ક્રશ’ થાય છે.’
થોડી વાર અમે બંને કરોબી વિશે વિચારમાં પડી જઈએ છીએ. ‘તમને પ્રેમ કરશે; તમને ભગવાન બનાવીને તમારી પૂજા કરશે અને તમારા ગળે લગામ બાંધીને તમારા ઉપર શાસન કરશે.’
ફરી અમે બંને રામકિંકરના શિલ્પ પાસે ઊભાં ઊભાં પ્રેમની અનરીઝનેબલનેસનો વિચાર કરીએ છીએ. મિસ્ટલ હાલદાર કહે છે, ‘દરેક વાતનો ઈનિશિયેટીવ કરોબી લેશે; તમને પ્રેમ કરવાનો અને…’ ભદ્રલોક વાક્ય પૂરું કરતા નથી, પણ તે કહેવા માગે છે કે તમને પ્રેમ કરવાની અને તમને છાંડવાની પહેલ કરોબી કરશે. ‘એને ખ્યાલ નથી રહેતો કે સામી વ્યક્તિને શું થતું હશે.’ હું કશું બોલતો નથી. મિસ્ટર હાલદાર પ્યાલી ફરી ભરે છે. હું પ્યાલી ઊંચી કરી તેમને સૂચવું છું કે કરોબીનો દરેક ઈનિશિયેટીવ મને કબૂલ છે.
હું કામ કરતો હોઉં તો પણ કરોબી રોજ મારા ઘરમાં આવતી, કોતવાલની જેમ મારા ઘરની દરેક દીવાલ અને દરેક ખૂણે પોતાનો અધિકાર જાહેર કરતી, સતત અનવરત તેની વાતોનો તાંતો ચાલતો. અદ્ભુત માણસોની, ડ્રગડીલરોની, શોપકીપરોની, ટ્રક ચલાવતી બાઈઓની, સ્ટ્રીટ ગેન્ગઝની, કુંવારી માતાઓની, ધનાઢ્ય વેપારીઓની અને લડાયક નારંગીવાળાઓની… વાતો મને કરતી રહેતી. અને કથાને કોરિયોગ્રાફ કરતી, એના બદનનો દેખાવ, તેનું તરલ હલન ચલન, હાથવડે સૂચવાતા ભાવ, ગળાના સ્વરનો કંપ, શબ્દચયન મારા મગજની બખોલોમાં ઉત્તેજક રસાયણોનું ઉત્પાદન કરતું અને મારા ગળામાંથી સુખના સણકા નીકળતા.
આવતી ત્યારે કાયમ કરોબી વાસણ ધોઈ આપતી, ટીવીની સ્ક્રીન સાફ કરી આપતી, ફ્રીજમાંથી નકામી બનેલી ચીજો ફેંકી આપતી. હું ના પાડતો, તો કરોબી દુભાયાનો અભિનય કરીને કહેતી કે હું ગર્લફ્રેન્ડ છું તો પછી? કરોબી મારો હાથ પકડી કહેતી, ‘જો તારું નામ રોબી છે, મારું કરોબી. હું જન્મી ત્યારથી તું મારી સાથે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -