નવી દિલ્હી: વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના કેટલાક સભ્યોની હત્યાના કેસના ૧૧ આરોપીઓને મુદત પૂર્વે મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે ૯ મે પર મુલતવી રાખી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ કે.એમ જોસેફ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની બેન્ચે જણાવ્યું હતું કે આરોપીઓની સજામાફીને લગતા ઓરિજિનલ રેકોર્ડ્સ રજૂ કરવાની સૂચના આપતા ૨૭ માર્ચના હુકમ પર ફેરવિચારની અરજી અમે કરવાના નથી.
આ બાબતે બિલ્કિસ બાનો સિવાયની વ્યક્તિઓ-પક્ષોએ ફાઇલ કરેલી અરજીઓ સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાંધા દર્શાવ્યા હતા. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ રીતે જેમને કેસ જોડે સંબંધ ન હોય એવા ત્રીજા પક્ષની અરજીઓની છૂટ અપાશે તો તેની વ્યાપક અસરો થશે. એવી છૂટ અપાશે તો અદાલતોમાં ચાલતા ફોજદારી કેસોમાં વારંવાર કોઇપણ અરજીઓ આવતી રહેશે. બિલ્કિસ બાનો કેસમાં સજામાફી અપાયેલા આરોપીઓના વકીલોએ જવાબ ફાઇલ કરવા માટે સમય માગતાં બેન્ચે આગામી સુનાવણી ૯ મે, મંગળવાર પર મુલતવી રાખી હતી. (એજન્સી)