પાકિસ્તાનમાં વાહ વાહી મચી
બિલાવલ ભુટ્ટો ઝરદારીની ગોવાની મુલાકાતને પાકિસ્તાનમાં વખાણવામાં આવી રહી છે, પરંતુ હકીકત એ છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનથી લખીને લાવ્યા હતા એ જ SCO સમિટમાં બોલ્યા અને જતા રહ્યા હતા.
શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સ (SCO) ના કાર્યક્રમમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા ભારત પહોંચેલા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આતંકવાદના મુદ્દા પર ગોળ ગોળ શબ્દો બોલ્યા હતા. તેમણે કોઇ પણ મુદ્દાની છણાવટ નહોતી કરી. તેમના હાથમાં લખેલી સ્ક્રિપ્ટ તૈયાર હતી, એ મુજબ તેઓ બોલતા રહ્યા હતા. બિલાવલના શબ્દો પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તેઓ આતંકવાદ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા નથી માંગતા. સમિટમાં બિલાવલે કાશ્મીર રાગ પણ આલાપ્યો હતો. ભારતના વિદેશ પ્રધાન જયશંકર પ્રસાદે બિલાવલને ‘આતંકના ઉદ્યોગ’ના પ્રવક્તા ગણાવ્યા હતા.
બિલાવલની ભારત મુલાકાતનું કંઇ ઉપજ્યું નહીં અને તેઓ પાકિસ્તાન પણ જતા રહ્યા. પાકિસ્તાન પહોંચીને તેઓ મોટા મોટા નિવેદનો આપવા માંડ્યા છે, જેમાં પાકિસ્તાની મીડિયા પણ માત ખાઇ ગયું છે અને બિલાવલના નિવેદનને મોટી ઉપલબ્ધી તરીકે રજૂ કરી રહ્યું છે.
બિલાવલની ભારત મુલાકાતથી એવી અપેક્ષા હતી કે આતંકવાદ પર ચર્ચા થશે. આનો કોઈ ઉકેલ આવશે. બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે, પરંતુ તેમનું ધ્યાન મહત્વના મુદ્દાઓ કરતાં તાળીઓ પર વધુ હતું. પોતાના ટ્વીટમાં બિલાવલે વિદેશ મંત્રીઓ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો, પરંતુ એક પણ વાત ન કહી જેના માટે તેઓ ભારત આવ્યા હતા. કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા બિલાવલે મીડિયાને જણાવ્યું હતું કે માત્ર એક વસ્તુ હતી જે એ સમયે પાકિસ્તાન અને ભારતને વાતચીત માટે રોકી રહી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યની બહાલી આ દિશામાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે.
પાકિસ્તાની મીડિયાએ બિલાવલની ભારત મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી, પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકની મધ્યમાં એસ જયશંકરે આતંકવાદને પ્રાયોજિત કરવા બદલ પાકિસ્તાનને રીતસરનો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે બિલાવલ આતંકવાદને પ્રોત્સાહન આપનાર, તેને ન્યાય આપનાર અને તેનો પ્રવક્તા છે.
ગોવામાં જયશંકરે કહ્યું હતું કે, જેઓ પોતે તેને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા થઈ શકે નહીં. બિલાવલ પોતાની સાથે કાશ્મીરનો મુદ્દો લઈને આવ્યા હતા. બિલાવલે કહ્યું હતું કે ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવી એ પાકિસ્તાન માટે મોટો મુદ્દો છે. ભારત કાશ્મીરની જૂની સ્થિતિને પુનઃસ્થાપિત કરશે તો જ આ મુદ્દા પર ચર્ચા થશે.
શ્રીનગરમાં જી-20 બેઠક પર પ્રતિક્રિયા આપતા બિલાવલે કહ્યું કે તે સમય પર એવો જવાબ આપશે જે યાદ રહેશે. તેના પર જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે પહેલી વાત તો એ છે કે પાકિસ્તાનને G20 સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં તેને શ્રીનગર સાથે પણ કોઈ લેવાદેવા નથી. જો પાકિસ્તાન સાથે કાશ્મીર પર કોઈ વાતચીત થશે તો તે મુદ્દા પર થશે કે પાકિસ્તાન પીઓકે પર પોતાનો ગેરકાયદે કબજો ક્યારે છોડશે.
જયશંકરે બિલાવલને જાગવા અને પરિસ્થિતિ સમજવા કહ્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે 370 હવે ઈતિહાસ બની ગયો છે. પાકિસ્તાન આ વાત જેટલી જલ્દી સમજી જશે તેટલું તેના માટે સારું રહેશે.
પાકિસ્તાની મીડિયામાં ભારતના વિદેશ પ્રધાન દ્વારા બિલાવલ ભુટ્ટો ઝરદારીને આપવામાં આવેલા ઠપકાનો જરા પણ ઉલ્લેખ કર્યો નથી. કાશ્મીર સંબંધિત બિલાવલના નિવેદનને મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી રહી છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીની ગોવાની મુલાકાતને પાકિસ્તાનમાં વધાવવામાં આવી રહી છે, પરંતુ હકીકત એ છે કે બિલાવલ ભારતથી ખાલી હાથે પાછા ફર્યા છે.