વાત એક એવા પરિવારની છે જેને આખો દેશ જાણે છે. હાલમાં તો આ પરિવાર રાજકીય ટીકાઓમાં વારેઘડિયે ચર્ચાના ચકડોળે ચડે છે. દેશના રાજકારણમાં જેમનું સૌથી વધારે યોગદાન છે, તેવા ગાંધી પરિવારની જ આ વાત છે. ગાંધી પરિવારના સૌથી મજબૂત અને લોકપ્રિય સભ્ય અને ભારતના ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને 1972માં ઉત્તર પ્રદેશના બિજનોર ખાતે ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ સિક્કા હજુ બિજનોરની તિજોરીમાં પડ્યા છે. જેનું વજન 73 કિલો અને કિંમત 51 લાખ કરતા વધારે માનવામાં આવે છે.
આ અંગે અહીંના અધિકારીએ જણાવ્યું હતું કે 1972માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી નિર્માણાધીન કાલાગઢ ડેમની મુલાકાતે આવ્યા હતા. તેઓ આવ્યા એટલે સ્થાનિકોએ તેમને ચાંદીથી તોલ્યા હતા અને ચાંદીની અમુક વસ્તુઓ તેમને ભેટ તરીકે આપી હતી. તે સમયે તેઓ આ તેમની સાથે લઈ ગયા ન હતા અને જિલ્લાધિકારીને તેની દેખરેખ કરવા જણાવ્યું હતું. તે સમયથી તે અહીં જ પડ્યું છે અને તેનું શું કરવું તે અંગેના કોઈ દિશાસૂચન કરવામાં આવ્યા નથી.
2002માં કલેક્ટર કચેરીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આના પર દાવો કરવા અપીલ કરતો પત્ર લખ્યો હતો, પરંતુ આ ખાનગી સંપત્તિ છે તેવા કારણ સાથે બેંકે ના પાડી હતી. આ રીતે જ મ્યુઝિયમે પણ આ કારણ આપી ના પાડી હતી. કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર ગાંધી પરિવાર માગણી કરે તો જરૂરી પ્રક્રિયા કરી તેમને આપી શકાય. જોકે આટલા સમય સુધી ગાંધી પરિવારનો સંપર્ક શા માટે કરવામાં નથી આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી.
આ ખૂબ જ ભારે બોક્સની સમયાંતરે ચોક્કસાઈ કરવામાં આવે છે, જોકે કોઈએ તેને ખોલીને જોયું ન હોવાનું અને સિલબંધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. છે ને અજબની વાત…જે પરિવાર પર દેશને લૂંટવાના વારંવાર આક્ષેપો થાય છે, તે પોતાના હકની સંપત્તિ વિશે માહિતી જ નથી?!