ભારતના બિહાર રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં હિંદુ હોય કે મુસલમાન દરેક વ્યક્તિની સરનેમ એટલે કે અટક એક જ છે. હવે તમે કહેશો કે કંઈ પણ…આવું કઈ રીતે શક્ય બને કે ગામના દરેકની અટક એક જ હોય તો ભાઇસા’બ એ વિશે જ આજે આપણે અહીં વાત કરવાના છીએ.
બિહારના નાલંદા જિલ્લાથી 12 કિલોમીટર દૂર આવેલા અસ્તવાન બ્લોકમાં આવેલું છે આ અનોખું ગામ. આ ગામમાં બધાની અટક ગિલાની છે. જોકે આ એક સરખી સરનેમ સિવાય પણ દુનિયામાં આ ગામ બીજા એક કારણસર પણ ઓળખાય છે અને એ એટલે કેરી. આ ગામની કેરી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે કારણ કે વિદેશમાં આ કેરીની ખુબ જ માંગણી છે. ગામની આ એક સમાન અટકની પરંપરા સદીઓથી ચાલી આવી છે અને લોકો આજે પણ તેનું પાલન કરે છે. હવે તો ગામની યુવાપેઢી પણ ગામ સાથે પોતાનું નામ જોડવામાં ગૌરવ અનુભવે છે કારણ કે તેઓ તેમના ગામ સાથે જોડાયેલા છે. અનેક લોકો એવા પણ છે કે જેઓ દાયકાઓથી પોતાના ગામથી દૂર છે પણ તેમ છતાં તેમણે પોતાના ગામનો સાથ નથી છોડ્યો.
ગિલાની ગામના લોકો પોતાના નામ પાછળ અટક તરીકે ગિલાની લગાડે છે, એ જ રીતે અસ્થવાન ગામના લોકો અસ્થાનવી હરવ્હાણ ગામના લોકો હરગણવી, ડુમરાવનના લોકો ડુમરાનવી અટક લગાડે છે . પરંતુ આ બધાંમાં ગિલાની લોકો ખૂબ જ ખાસ છે, કારણ કે આ ગામના હિંદુ હોય કે મુસલમાન દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ ગિલાની અટક લગાવે છે. ગામવાસીઓના મતે મોગલ કાળથી આ પરંપરા ચાલી આવી છે અને ઈસ્લામ ધર્મના અનુયાયી હજરત અબ્દુલ કાદરી જિલાની પરથી ગિલાની અટક રાખવામાં આવી છે. અરબી ભાષામાં ગ મૂળાક્ષર ન હોવાને કારણે લોકો તેમને જિલાની તરીકે ઓળખતા હતા. ગામનું પુરું નામ મોહીઉદ્દીનપુર ગિલાની છે. મૌલાના મુઝફ્ફર ગિલાનીના પુસ્તકમાં ગિલાન એ જગ્યાનું નામ છે. જ્યાં બડા પીરના અનુયાયી રહેતા હતા. ત્યાંથી કેટલાક લોકો કામ માટે મોહીઉદ્દીનપુર ગિલાની આવ્યા હતા. આ લોકોના નામમાં પણ સરનેમ તરીકે ગિલાની લગાવવામાં આવી. અહીંયાના લોકો વચ્ચેનો સમનવય જોઈને લોકોએ પોતાના નામની પાછળ ગામનું નામ લગાવવા લાગ્યા…