બિહારના મુઝફ્ફરપુરમાં ચોરીનો એક અનોખો મામલો સામે આવ્યો છે. બિહારમાં અલગ-અલગ પ્રકારની ચોરીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ હાલનો કિસ્સો સાવ જ અલગ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરીની આવી એક ઘટના મુઝફ્ફરપુરમાં બની છે, જેના વિશે સાંભળીને બધા ચોંકી જશે. અહીં ચોરોએ આ વખતે આખો મોબાઈલ ટાવર ગાયબ કરી દીધો છે. મામલો મુઝફ્ફરપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રમજીવી નગરનો છે, જ્યાં બંધ મોબાઈલ ટાવરની ચોરી થઈ છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શ્રમજીવી નગરમાં છેલ્લા ઘણા સમયથી જીટીપીએલનો મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હતો, જે ઘણા સમયથી બંધ હતો, પરંતુ હવે તે ટાવર અચાનક જ ગાયબ થઈ ગયો છે. ટાવરની સાથે અન્ય કેટલાક મહત્વપૂર્ણ મશીનો પણ ગુમ થઈ ગયા છે.
આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં જ કેટલાક લોકો આવ્યા હતા અને તેને ખોલીને ટ્રકમાં ભરીને બધો સામાન લઈ ગયા હતા. પોલીસે કહ્યું કે આ અંગે અરજી મળી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ જ કિસ્સામાં, જમીન માલિક અને તેના રક્ષકની પૂછપરછ કરવામાં આવી રહી છે.