બિહારની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. નીતિશ કુમારના જૂના સાથી ઉપેન્દ્ર કુશવાહાએ JDUમાંથી રાજીનામું આપી દીધું છે. રાજધાની પટનામાં પોતાના સમર્થકો અને નેતાઓ સાથે બે દિવસ સુધી બેઠક કર્યા બાદ ઉપેન્દ્ર કુશવાહાએ JDU છોડવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિર્ણયની જાણકારી નીતીશ કુમાર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહને આપી છે. આ પહેલા કુશવાહાના સમર્થકોની બેઠકમાં નવી પાર્ટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમની નવી પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોક જનતા દળ રાખવામાં આવ્યું છે.
તાજેતરમાં, કુશવાહાએ કાર્યકરોને એક ખુલ્લો પત્ર લખ્યો હતો જેમાં તેમણે પક્ષના સભ્યોને JD(U) માં ‘હાલની સ્થિતિ’ પર ચર્ચા કરવા માટે મળવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પત્રમાં આરોપ લગાવ્યો છે કે આંતરિક પરિબળોને કારણે પાર્ટી નબળી પડી રહી છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, ‘નીતીશ કુમાર ખોટા રસ્તે ચાલી રહ્યા છે, તેમની પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે’.
‘અગાઉ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, “મેં કુશવાહાને ધારાસભ્ય બનાવીને પ્રમોટ કર્યા હતા પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે તેઓ ફરીથી પાર્ટીમાં જોડાયા ત્યારે મેં તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા પરંતુ તેમણે ફરીથી પાર્ટી છોડી દીધી. હવે તેઓ ત્રીજી વખત પાર્ટીમાં પાછા ફર્યા છે, પરંતુ છેલ્લા બે મહિનામાં શું થયું છે તેની મને ખબર નથી. હું તેમને વાત કરવા માટે કહી રહ્યો છું પરંતુ તેઓ વાત કરવા તૈયાર નથી.