હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણી વખત તેની પૂર્વ તૈયારી રૂપે લાઉડ સ્પીકર પર જોર જોરથી ગીતો સંભળાવવા લાગે છે. લોકો ગીત-સંગીતની સાથે એકબીજાને રંગ લગાવીને આ રંગોના તહેવારને ઊજવે છે. પરંતુ આ વખતે હોળીના દિવસે અશ્લીલ ગીતો વગાડવા મુદ્દે પોલીસ પ્રશાસન દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું છે.
શિવરાત્રિથી લઈને હોળી સુધી આ પ્રકારના ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બિહાર પોલીસ દ્વારા આ ફરમાન આખા રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે.
બિહાર પોલીસ પોલીસ દ્વારા શનિવારે મહાશિવરાત્રિ અને ત્રણ અઠવાડિયા બાદ આવી રહેલી હોળી સુધી ઉત્સવ જેવા માહોલને ધ્યાનમાં રહીને ચેતવણી આપી છે કે અશ્લીલ ગીતો વગાડનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ દિવસો દરમિયાન વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડતા અશ્લીલ ગીતો વગાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા બધા જિલ્લાના પોલીસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જાતિસૂચક અને સાંપ્રદાયિક બોલવાળા ગીતો વગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમાં બોલવામાં આવતી ભોજપૂરી ભાષામાં દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો લોકો માટે અસુવિધાઓનું કારણ બને છે.