બિહારના બાહુબલી નેતા અને હત્યા કેસમાં દોષિત ઠરેલ આનંદ મોહનની સમય પહેલા થયેલી જેલમુક્તિ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઇ ગઈ છે. આ મામલે 8મી મેના રોજ સુનાવણી કરવામાં આવશે. આ સુનાવણીની અરજી દિવંગત IAS જી કૃષ્ણૈયાની પત્ની ઉમા ક્રિષ્નૈયાએ દાખલ કરી હતી. આજે તેમના વકીલે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલો મૂક્યો હતો. ચીફ જસ્ટિસે આગામી સોમવારે સુનાવણીની મુદત આપી હતી.
જી. ક્રિષ્નૈયાના પત્ની ઉમા ક્રિષ્નૈયાએ આનંદ મોહનને જેલમાં પાછા મોકલવાની માંગ કરી છે. ઉમા ક્રિષ્નૈયાએ બિહાર સરકારના જેલના નિયમોમાં ફેરફારનું નોટિફિકેશન રદ કરવાની પણ માંગ કરી છે. IAS જી કૃષ્ણૈયાની પત્ની વતી એડવોકેટ તાન્યા શ્રીએ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી.
વર્ષ 1994માં ગોપાલગંજના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ જી કૃષ્ણૈયાની મુઝફ્ફરપુરના ખોબરામાં હત્યા કરવામાં આવી હતી. 2007માં નીચલી કોર્ટે આ કેસમાં આનંદ મોહનને ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં પટના હાઈકોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. બિહારની જેલ નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે આનંદ મોહનને હવે જેલ મુક્ત કરવામાં આવ્યો છે.
જી કૃષ્ણૈયાની પત્નીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, ગુનેગાર રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ છે, તેણે પોતે જ વિધાનસભ્ય રહેતા એક IAS અધિકારીની હત્યા કરાવી હતી. તેમને રાજકીય સમર્થન પ્રાપ્ત છે અને તેમની સામે ઘણા ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. આજીવન કેદની મર્યાદામાં ફેરફાર કરવા માટે બિહાર સરકારનો તા. 10.04.2023નો સુધારો કોઈપણ સંજોગોમાં જાહેર નીતિની વિરુદ્ધ છે અને આ સુધારો રાજકીય લાભ માટે પ્રેરિત છે.
બિહાર સરકારે 2012માં તૈયાર કરેલા જેલ મેન્યુઅલમાં 5 પ્રકારના ગુનાઓને જઘન્ય માનવામાં આવ્યા હતા. આમાં આતંકવાદ, લુંટફાટ સાથે હત્યા, બળાત્કાર સાથે હત્યા, સામુહિક હત્યા અને સરકારી અધિકારીની હત્યાનો સમાવેશ થતો હતો. આ 5 પ્રકારના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અપરાધીઓને 20 વર્ષ પહેલાં કોઈ છૂટ ન આપવાની જોગવાઈ હતી. પરંતુ હાલમાં જ જેલના નિયમોમાં ફેરફાર કરીને બિહાર સરકારે સરકારી કર્મચારીની હત્યાને સામાન્ય હત્યાની શ્રેણીમાં મૂકી દીધી છે. આનાથી આનંદ મોહન માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.