Homeએકસ્ટ્રા અફેરભોપાલ ગેસ દુર્ઘટના કૉંગ્રેસનું મહાપાપ

ભોપાલ ગેસ દુર્ઘટના કૉંગ્રેસનું મહાપાપ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા ભાષણના કારણે સર્જાયેલા વિવાદના રાજકીય ઘમસાણના કારણે એક મહત્ત્વના સમાચારને મીડિયાએ બહુ મહત્ત્વ ના આપ્યું ને લોકોનું પણ તેની તરફ ધ્યાન ના ગયું. ૧૯૮૪માં ભોપાલ ગેસ કાંડ સર્જાયો હતો ને તેમાં હજારો લોકોનાં મોત નિપજ્યાં હતાં. ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોના વળતરમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરી હતી.
ભોપાલમાં ૨ ડિસેમ્બર ૧૯૮૪ની રાત્રે યુનિયન કાર્બાઈડના પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં ૧૬ હજારથી વધારે લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનને ૪૭ કરોડ અમેરિકી ડોલરનું વળતર આપવાનો આદેશ અપાયો હતો પણ આ વળતર પૂરતું નહોતું. પીડિતોએ વધારાનું વળતર આપવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરતાં પીડિતો તરફથી કેન્દ્ર સરકારે વળતર વધારવા માટે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી.
કેન્દ્ર સરકારે રજૂઆત કરેલી કે, ભોપાલ ગેસ દુર્ઘટના માટે જવાબદાર અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની અનુગામી કંપની એવી ડાઉ કેમિકલ્સે રૂપિયા ૭,૮૪૪ કરોડનું વધારાનું વળતર પીડિતોને ચૂકવવું જોઈએ.
જો કે સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે કેન્દ્રે માગેલા રૂપિયા ૭,૮૪૪ કરોડના વધારાના વળતરની માગણી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેકે માહેશ્ર્વરીની ખંડપીઠે આ કેસ ફરીથી ખોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ભોપાલ ગેસ દુર્ઘટના કાંડની ફરીથી સુનાવણી પીડિતોના પક્ષમાં નહીં હોય. કેસ ફરીથી ખોલવાથી યુનિયન કાર્બાઈડને ફાયદો થશે જ્યારે દાવેદારોને કોઈ ફાયદો નહીં થાય.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે પીડિતોને ઓછું વળતર ચૂકવાયું હોવાનું સ્વીકાર્યું છે પણ આ મામલે બેદરકારી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. કોર્ટનું કહેવું છે કે, ઓછું વળતર ચૂકવાયું તેના કારણે થયેલા નુકસાનને પૂરું કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની હતી પણ કેન્દ્ર સરકારે આ કામ ના કર્યું. યુનિયન કાર્બાઈડે કોઈ વીમો નહોતો ઉતરાવ્યો ને તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના મતે, વીમા પોલિસી લેવામાં નિષ્ફળતા એ કેન્દ્રની ઘોર બેદરકારી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું એ મોટી વાત છે પણ આ કેન્દ્ર સરકાર એટલે હાલની નરેન્દ્ર મોદીની સરકાર નહીં પણ આ દુર્ઘટના બની ત્યારની કૉંગ્રેસની સરકાર. એ વખતે રાજીવ ગાંધી વડા પ્રધાનપદે હતાં ને કૉંગ્રેસની સરકાર હતી. કૉંગ્રેસની સરકારે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ગુનાહિત બેદકરારી તો બતાવી જ હતી પણ સાથે સાથે દુર્ઘટના માટે જવાબદારોને પણ છાવર્યા હતા. કૉંગ્રેસના આ મહાપાપને સમજવા માટે આખો ઘટનાક્રમ સમજવો જરૂરી છે.
ભોપાલ ગેસ દુર્ઘટના ૨-૩ ડિસેમ્બર, ૧૯૮૪ની રાત્રે થઈ હતી. ભોપાલમાં આવેલા અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડની ફેક્ટરીના ૬૧૦ નંબરના ટેન્કમાં જોખમી મિથાઇલ આઇસોસાઈનાઇડ રસાયણ ભરેલું હતું. મિથાઇલ આઇસોસાઈનાઇડ પ્રતિબંધિત હોવા છતાં યુનિયન કાર્બાઈડે તેને ફેક્ટરીમાં રાખેલું. યુનિયન કાર્બાઈડે આ દેશના નિયમોની ઐસીતૈસી કરીને મિથાઇલ આઇસોસાઈનાઇડની મદદથી ઝેરી ગેસ બનાવવા માંડેલો.
આ દેશનાં લોકોના કમનસીબે મિથાઇલ આઇસોસાઈનાઇડ ટેન્કમાં પાણી પહોંચી ગયું તેથી રસાયણિક પ્રક્રિયા થઈને તાપમાન ૨૦૦ ડિગ્રી સુધી પહોંચી ગયું. આટલા ઊંચા તાપમાનને સહન કરવાની જૂની ટેન્કની ક્ષમતા નહોતી તેથી ધડાકો થયો ને ટેન્કનો સેફ્ટી વાલ્વ ઊડી ગયો હતો. તેના કારણે ટેન્કમાં ભરેલો ૪૨ લાખ ટન ઝેરી ગેસ લીક થઈ ગયો. ઝેરી ગેસ લીક થતાં લોકો ટપોટપ મરવા માંડ્યાં ને સવાર સુધીમાં તો ભોપાલમાં લાશોના ઢગ ખડકાયેલા પડ્યા હતા. ઝેરી ગેસ ગળવા માંડ્યો તેમાં લોકો કૂતરાં-બિલાડાંની જેમ ટપોટપ મરેલાં.
મધ્ય પ્રદેશમાં એ વખતે કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અર્જુનસિંહનું રાજ હતું. અર્જુનસિંહને યુનિયન કાર્બાઈડ સામે પગલાં લેવામાં કોઈ રસ નહોતો તેથી કશું ના કર્યું પણ લોકોનો આક્રોશ વધતાં છેવટે દુર્ઘટનાના ચાર દિવસ પછી યુનિયન કાર્બાઇડના વડા વોરન એન્ડરસનની ધરપકડ થઈ પણ એન્ડરસનને કૉંગ્રેસ સરકારની મહેરબાનીથી તરત જામીન મળી ગયા.
આઘાતજનક વાત હવે આવે છે. યુનિયન કાર્બાઈડવાળા એન્ડરસન હજારો લોકોના હત્યારા હતા છતાં રાજીવ ગાંધીએ તેમને ભાગવામાં મદદ કરેલી. વડા પ્રધાન રાજીવ ગાંધીના ફરમાનથી મધ્ય પ્રદેશના કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અર્જુનસિંહ એન્ડરસનને પોતાના વિમાનમાં બેસાડી દિલ્હી લઈ ગયેલા. દિલ્હીના સ્થાનિક ઍરપોર્ટથી સરકારી ગાડીમાં એન્ડરસન ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર ગયા ને પછી અમેરિકા ભાગી ગયા. એન્ડરસન પછી ક્યારેય ભારતીય કાયદાના સકંજામાં ના આવ્યો.
લોકોને ઉલ્લુ બનાવવા એન્ડરસનને ભાગેડુ જાહેર કરાયો. અમેરિકાથી તેના પ્રત્યર્પણના પ્રયાસોના નાટકો પણ થયાં પણ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ ૯૨ વર્ષની ઉંમરે એન્ડરસન મૃત્યુ પામ્યો ત્યાં સુધી મજાની લાઈફ જીવ્યો. હજારો લોકોના હત્યારા એન્ડરસનની આ સાહ્યબી કૉંગ્રેસને આભારી હતી.
કૉંગ્રેસે લોકોને ઉલ્લુ બનાવવા માટે યુનિયન કાર્બાઈડ સાથે વળતર માટે કરેલી સમજૂતી અંતર્ગત યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને પીડિતોને ૪૭૦ મિલિયન ડોલર (૭૧૫ કરોડ રૂપિયા)નું વળતર આપ્યું હતું. આ સમજૂતી ૧૯૮૯માં થઈ હતી પણ લાંબા સમય સુધી વળતર જ ના અપાયું. બીજી તરફ કેટલાં લોકો મર્યાં એ મુદ્દે પણ સરકારોએ લુચ્ચાઈ કરી. આ દુર્ઘટનામાં મોતનો આંકડો ૨૫ હજારથી વધુ હોવા છતાં ૧૯૯૭માં મૃત્યુના દાવાની નોંધણીને બંધ કરીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ દુર્ઘટનામાં ફક્ત ૫,૨૯૫ લોકો માર્યા ગયા છે.
સત્તાવાર રેકોર્ડ પ્રમાણે, ૧૯૯૭ પછીથી દુર્ઘટનાનાં કારણે થનારા રોગો દ્વારા હજારો લોકો માર્યા ગયા છે તેમને તો ધ્યાનમા ના લેવાયા પણ મૃત્યુનો અસલી આંકડો ૨૫ હજારની પાર ગયો હતો તેને પણ ધ્યાનમાં ના લેવાયું. યુનિયન કાર્બાઇડને ખબર હતી કે, ગેસ લીકના કારણે સ્થાયી નુકસાન થશે. આ વાત છુપાવીને કરાયેલા ઘોર અપરાધ માટે પણ કોઈ સજા ના થઈ.
ભોપાલ ગેસ પીડિતોના સતત દબાણને પગલે કેન્દ્ર સરકારે ૨૦૧૦માં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી ને તેમાં પણ મોડું થઈ ગયું હતું. એ વખતે પણ કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી.
ભોપાલ ગેસકાંડ કૉંગ્રેસનું મહાપાપ છે. કમનસીબે કૉંગ્રેસની સરકાર પીડિતોના જીવ તો ના જ બચાવી શકી પણ તેમને યોગ્ય વળતર પણ ના અપાવી શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -