ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને પરીક્ષા પાસ કરાવી આપવાના કોભાંડના ખુલાસા બાદ સરકાર પર ઝડપી કાર્યવાહી કરવા દબાણ ઉભું થયું છે. સમગ્ર કેસની ઝડપી અને બારીક તપાસ કરવામાં માટે આઇજી દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (S.I.T.)ની રચના કરવામાં આવી છે.
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા S.I.T.ની રચના કરાઈ છે. જેમાં SIT નાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત તપાસ ટીમમાં પીઆઈ કક્ષાના 1 અધિકારી, પીએસઆઇ કક્ષાના 9 અધિકારી અન્ય કર્મચારીઓનો સમાવેશ થશે.
સમગ્ર મામલે અત્યાર સુધીમાં 36 લોકો સામે FIR નોંધવામાં આવી છે. ભાવનગર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ 4 પૈકી 3 આરોપીઓ સરકારી નોકરિયાત છે. પોલીસ બાકીના 32 આરોપીઓની ધરપકડ કરવાની તૈયારીઓ કરી રહી છે. આરોપીઓ ઝડપી પાડવા ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં અભિયાન હાથ ધર્યું છે.
કરાઈની પોલીસ એકેડમમીમાં તાલીમ લઈ રહેલા સંજય પંડ્યા નામના યુવાને ડમી ઉમેદવાર બનીને પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2022માં તેણે ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની ભરતી માટે અક્ષર બારૈયાની જગ્યાએ પરીક્ષા આપી હતી. સંજય હાલ કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. ભાવનગર પોલીસે બંન્નેને આરોપી બનાવી તપાસ હાથ ધરી છે.