કોંગ્રેસની ભારત જોડો યાત્રા સોમવારે સવારે તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાંથી નીકળી છે. આ યાત્રા આજે સાંજે નાંદેડ જિલ્લામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. પદ યાત્રીઓ રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્રમાં લગભગ 14 દિવસ સુધી ભ્રમણ કરશે.
NCP પ્રમુખ શરદ પવાર 8 નવેમ્બરે ભારત જોડો યાત્રામાં હાજરી આપશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રની યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં યાત્રાને સફળ બનાવવા કોંગ્રેસે જોરદાર તૈયારીઓ કરી છે.
કન્યાકુમારીથી કાશ્મીર સુધીના પ્રવાસ પર નીકળેલી કોંગ્રેસની આ યાત્રાએ દક્ષિણ ભારતનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી તે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં રાજ્યમાંથઈ પસાર થઇ છે. આજે સોમવારે સવારે તેલંગાણાના કામરેડ્ડીથી નીકળી આ યાત્રા દક્ષીણ ભારતનો અંતિમ તબક્કાનો પ્રવાસ પૂર્ણ કરશે. આ યાત્રા મોડી સાંજે નાંદેડ જિલ્લાના દેગલુરના મદનૂર નાકાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
મહારાષ્ટ્રમાં યાત્રાને સફળ બનાવવા પ્રદેશ કોંગ્રેસે જોરદાર તૈયારીઓ કરી છે. આજે સાંજે નાંદેડ જિલ્લામાં પહોંચ્યા બાદ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ લગભગ 10 વાગે એકતા મશાલ યાત્રા કાઢશે. ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં કુલ 381 કિલોમીટરનું અંતર કાપશે. તે 15 વિધાનસભા અને 6 સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે.
NCP વડા શરદ પવાર 8 નવેમ્બરે આ યાત્રામાં જોડાશે. બીમાર હોવાથી તેઓ રાહુલ ગાંધી સાથે એક માઈલથી પણ ઓછી પદયાત્રા કરશે. મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ યાત્રાને દેશભરના વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો તરફથી સમર્થન મળી રહ્યું છે. આ સમર્થન દિવસેને દિવસે વધી રહ્યું છે.