કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’એ શુક્રવારે 100 દિવસ પૂરા કર્યા છે ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે આ અભિયાનને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી પદયાત્રા હાલમાં રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા અત્યાર સુધી પદયાત્રામાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને આવરીલેવાયા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ લગભગ 2,600 કિમી અંતર કવર કર્યુ છે. રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર, ઓલિમ્પિક મેડલિસ્ટ, જાણીતી રાજકીય હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓએ રાહુલની ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે રાહુલ ગાંધીના આ પ્રયાસો કૉંગ્રેસ માટે અચ્છે દિન લાવી શકશે?
કોંગ્રેસે શુક્રવારે જયપુરમાં ભારત જોડો યાત્રાના 100 દિવસની ઉજવણી માટે સાંજે 7 વાગ્યે આલ્બર્ટ હોલમાં લાઈવ પરફોર્મન્સ સાથે કોન્સર્ટનું આયોજન કર્યું છે. કોંગ્રેસ કાર્યાલયમાં સાંજે લગભગ 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ રાહુલ ગાંધી લાઈવ કોન્સર્ટમાં હાજરી આપશે.
વિવાદાસ્પદ રાજકારણી અને કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર પહેલા બે દિવસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા ત્યારે ભાજપે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી ‘ટુકડે ટુકડે ગેંગ’ના સભ્ય કન્હૈયા કુમાર સાથે ચાલીને ભારત જોડો યાત્રા પર છે. બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી, રિયા સેન, અભિનેતા સુશાંત સિંહ, પ્રકાશ રાજ વગેરેએ રાહુલ ગાંધીની પદયાત્રામાં ભારે રસ દાખવ્યો હતો. પીઢ અભિનેતા અમોલ પાલેકર અને પત્ની સંધ્યા ગોખલે, ઓલિમ્પિક મેડલિસ્ટ બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ પણ રાહુલ ગાંધીની પદયાત્રામાં જોડાયા હતા. 14 ડિસેમ્બરના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.
ઘણા રાજકીય વિશ્લેષકો જણાવે છે કે વિશાળ પદયાત્રા અભિયાન 2024ની લોકસભાની મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા ‘બ્રાન્ડ રાહુલ ગાંધી’ને ફરીથી લોન્ચ કરવાનો પ્રયાસ છે. જુદાજુદા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ પક્ષના કાર્યકરોને એકત્ર કરવા અને તેમનામાં વિશ્વાસ જગાવવાની ચાલ તરીકે પણ આ યાત્રાને જોવામાં આવે છે. જોકે, તેમનો આ હેતુ કેટલો સફળ થશે, એ તો સમય જ કહેશે.