ભારત જોડો યાત્રામાં હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઇ રહી છે. ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના યુવા નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. શુક્રવારે સાંજે હિંગોલીમાં તેમણે રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી. ગુરુવારે યાત્રામાં નાંદેડમાં રાહુલ ગાંધી સાથે NCP નેતા સુપ્રિયા સુલે પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડે પણ ભાગ લીધો હતો.

આ પ્રસંગે આદિત્ય ઠાકરેએ કહ્યું, ભારત જોડો યાત્રા રાજકારણથી પર છે, આ યાત્રા ભારતના વિચાર માટે છે, આ લોકશાહી માટે છે, આ લોકશાહીના વિચાર માટે છે, એક જીવંત લોકશાહી માટે છે.
એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યના કારણોસર તેઓ હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે જણાવ્યું હતું કે શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની આરામ કરવાની સલાહને ધ્યાનમાં રાખીને તેઓ યાત્રામાં ભાગ લેશે નહીં.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ પદયાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા થઈને તમિલનાડુ બાદ મહારાષ્ટ્ર પહોંચી છે. આ યાત્રા રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન 382 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.