નવી દિલ્હીઃ આજકાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખૂબ જ ચર્ચામાં છે. સાતમી સપ્ટેમ્બર, 2022ના કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રા 30મી જાન્યુઆરીના કાશ્મીરમાં પૂરી થશે. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા 12 રાજ્ય અને બે કેન્દ્રશાષિત પ્રદેશોમાંથી પસાર થશે. 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર કાપવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું સાડાત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં શરુ કરવામાં આવેલી અનોખી ભારત જોડો યાત્રા વિશે…
જી હા, કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આજથી 38 વર્ષ પહેલાં પણ આવી જ એક ભારત જોડો યાત્રા યોજાઈ હતી અને એ યાત્રાની શરુઆત કોણે કરી હતી, દેશવાસીઓ પર શું અસર થઈ હતી એ ભારત જોડો યાત્રાની અને કોણ હતા કે જે આ યાત્રા પર જવા નીકળ્યા હતા એની માહિતી આજે આપણે અહીં મેળવીશું.
ગાંધીવાદી સમાજસેવી બાબા આમટેએ 38 વર્ષ પહેલાં ભારત જોડો યાત્રાના શ્રીગણેશ કર્યા હતા. 1984માં જ્યારે ગોલ્ડન ટેમ્પલમાં ઓપરેશન બ્લ્યુ સ્ટાર બાદ પરિસ્થિતિ તણાવભરી હતી અને દેશની અખંડિતતા સામે સવાલો ઉપસ્થિત થયા હતા. એ જ વર્ષે ઈંદિરા ગાંધીની હત્યા બાદ ઠેકઠેકાણે હિંસા ફાટી નીકળી હતી, દિલ્હીમાં સિખ લોકો વિરુદ્ધ આચરવામાં આવેલી હિંસા બાદ ચારે બાજુ તાણ, નિરાશાનો માહોલ હતો ત્યારે બાબા આમટેએ દેશવાસીઓને સાંપ્રદાયિક સમભાવ અને રાષ્ટ્રીય અખંડિતતાનો સંદેશો આપવા માટે એક યાત્રા શરુ કરી અને તેને નામ આપ્યું ભારત જોડો યાત્રા.
1984માં બાબા આમટેએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને 1988માં અરુણાચલપ્રદેશથી લઈને ગુજરાત સુધી એમ બે વખત ભારત જોડો આંદોલન ચલાવ્યું હતું. તેમણે આ અંતર સાઈકલ પર કે પગે ચાલીને કાપવાનું નક્કી કર્યું હતું. બાબા આમટેએ કન્યાકુમારીથી સાઈકલ રેલીમાં 100 યુવાન અને 16 મહિલાઓનું નેતૃત્ત્વ કર્યું હતું. ખાસ વાત તો એ છે કે રેલીમાં ભાગ લેનારા આ તમામની ઉંમર 35 વર્ષથી ઓછી હતી, તેમને તેઓ યુથ ઈર્મજન્સી સર્વિસ (યેસ) કહેતાં હતા.
આ ભારત જોડો યાત્રા કાઢવા પાછળ બાબા આમટેનો એક જ લક્ષ્ય હતું અને એ લક્ષ્ય એટલે આખા દેશને એક ધાગામાં બાંધવો અને 70 વર્ષની ઉંમરમાં તબિયત ખરાબ થયા બાદ પણ તેમણે આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.