આચમન -કબીર સી. લાલાણી
ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણના ઉપાસક હતા. શ્યામવર્ણનું એમને ઘેલું હતું. એક રાત્રે તેઓ બહાર નીકળ્યા તો સામે બધે શ્યામવર્ણજ એમને દેખાતો રહ્યો. તેઓ આગળને આગળ વધતા રહ્યા. હકીકતમાં સામે સમુદ્ર હતો. આગળ વધતાવધતા તેઓ સમુદ્રના મોજામાં વિલીન થઈ ગયા. ઘણી વખત આપણે મનમાં અલગ વિચારીએ છીએ જ્યારે વર્તન જુદૂં જ કરીએ છીએ.
કર્મ કરતાં આપણે અકર્મ વધુ કરીએ છીએ. મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારનારા સ્વર્ગસ્થ વિનોબા ભાવેએ એક સ્થળે જણાવ્યું હતું કે કર્મ કરતી વેળાએ પોતે ‘કર્મ’ કરે છે કે તેનો અહંકાર કર્મબંધનમાં નાખે છે.
કર્મબંધન એટલે આપણા ચિત્ત ઉપર કર્મનો એક આવેગ. માણસ કામ કરતા કરતા એના પ્રભાવ તળે આવી જાય છે. આ તો ઘોડેસવારી કરવા જેવું છે. ઘોડાની લગામ આપણા હાથમાં રહે અને આપણે જેમ ઈચ્છીએ તેમ તેને દોડાવીએ, પણ કર્મબંધનમાં ઘોડો પોતે નક્કી કરી સવારને ગમે તેમ દોડાવીને ફેંકી દે.
– લગામ એટલે સદ્બુદ્ધિ
– ઘોડો એટલે મન અને
– મન દ્વારા થનારા કાર્યમાં સત્કાર્ય પણ આવે અને દુષ્કાર્ય પણ આવે. કર્મ તો બંને છે.
‘મુંબઈ સમાચાર’ની વાત કરીએ તો તેનું કર્મ છે વાચકોને ગમતી વાચનસામગ્રી આપવી જેમાં જુદા જુદા વિષયોના વિભાગો, કોલમો અને દેશ-દુનિયામાં બનતા બનાવોના અહેવાલો પણ આવી જાય છે અને વાચકનું કર્મ છે ‘મુંબઈ સમાચાર’ને પોતાને જે ગમે છે તેનો પ્રતિભાવ આપવો. સારા વાંચનની પ્રશંસા કરવી.
વ્હાલા વાચક મિત્રો! જીવનમાં એક એવી ક્ષણ આવે છે કે જ્યારે એમ થાય કે ‘આ જીવન જેવું છે જ નહીં. આ તો માત્ર શ્ર્વાસ લેવાની અને ઉચ્છશ્ર્વાસ મૂકવાની ક્રિયા જ છે.
– જીવન તો એવું હોવું જોઈએ જે બીજાને પ્રેરણારૂપ બની જાય.
– કરકસર અને કંજૂસાઈ વચ્ચે આસમાન જમીનનો ફરક છે.
– આ વાત બાપુના જીવનના એક પ્રસંગ દ્વારા આપણને જાણવા મળે છે:
ગાંધીજી સવારે વહેલા ઊઠે. ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું અને તેમને માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય.
– એક દિવસ બાપુજીના આશ્રમવાસી મોહનલાલ પંડ્યાએ બાપુને પૂછ્યું, ‘બાપુ, પાણીનો ક્યાં તોટો છે. આખી સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?’
– ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું, ‘મારું મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં એ કહો.’
પંડ્યાજી કહે, ‘એ તો છે જ ને!’
ગાંધીજી કહે, તો પછી વાંધો ક્યાં છે? તમે લોટેલોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો. હું પાણી વડે મોં બરાબર સાફ કરું છું. આટલું પાણી મારે માટે પૂરતું છે.’
પંડ્યાજી કહે, ‘પણ નદીમાં આટઆટલું પાણી છે ને.’ ગાંધીજીએ જણાવ્યું, ‘બરાબર. નદીનું પાણી પશું, પંખી, માણસ, જીવજંતુ, સૌને માટે છે. મારા એકલા માટે નથી. મારા ખપપૂરતું હું જરૂર લઉં, પણ વધારે લેવાનો મને કશો જ હક નથી. સહિયારી મિલકતમાંથી ખપ કરતાં વધારે આપણાથી શીદ લેવાય?’
કેટલી સારી વાત કહેવાય.
બોધ : – ખપપૂરતી જ વસ્તુ, પદાર્થ માનવીએ લેવાં જોઈએ.
– માત્ર વસ્તુ કે પદાર્થ જ નહીં પણ બોલવામાં, વર્તવામાં પણ માનવીએ કરકસર કરવી જ રહી, નહીં તો તેને ઉડાઉપણું કહેવાય.
– કરકસર અને કંજૂસાઈ વચ્ચેના ફર્કને જે માનવી સમજી જાય છે તે જીવનમાં કામિયાબી હાંસલ કરે છે.