પ્રિય પપ્પા -ફરહાદ સામજી
મારા પપ્પા સમશુદ્ીન મોહન સામજી ખૂબ જ સૂજબૂઝવાળા સફળ વ્યવસાયિક(વેપારી) હતા. તેમની કિરાણાની દુકાન હતી. એ ચલાવતા હતા, જ્યારે હું ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરું છું. વાર્તા લખું છું, ફિલ્મ ડિરેક્ટ કરું છું. મારા પપ્પાને ફિલ્મોનો ખૂબ જ ક્રેઝ હતો, પરંતુ આ લાઇનમાં કામ કરવાનું ક્યારેય વિચાર્યુ નહોતું. ત્યાં સુધી કે ફિલ્મ લાઇનમાં દૂર દૂર સુધી અમારું કોઇ જ નહોતું. મારો ઉછેર મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં થયો છે. હરેક પિતાની જેમ જ મારા પપ્પાનું પણ એક ધ્યેય હતું કે હું મારાં સંતાનોને સારું શિક્ષણ અપાવું, એમને સારું જીવનધોરણ આપું. બધાને જ પોતાના પપ્પા જેવા કોઇ નહીં એવું લાગતું હોય છે, પરંતુ હું છાતી ઠોકીને કહી શકું છું કે મારા પપ્પા જેવા કોઇના પપ્પા નહીં હોય. સામાન્ય રીતે પપ્પા નાળિયેર જેવા હોય છે બહારથી બહુ કઠોર પણ અંદરથી સાવ નરમ, પણ ઉપરવાળાની કૃપાથી મને એવા પપ્પા મળ્યાં જેમની સાથે હું મારી મનની વાત ખુલ્લા દિલે કરી શકતો હતો. મારા પપ્પા સાથે એટલા બધા મિત્રતાના સંબંધ હતા એ તમને જણાવીશ જે મારી પત્નીને પણ ખબર નથી. એ વાત આજે હું ‘મુંબઇ સમાચાર’ના માધ્યમ દ્વારા એના વાચકોને અને મારા ચાહકોને જણાવવાં માગું છું. તમે માનશો નહીં પણ હું અને મારા પપ્પા એકસાથે ન્હાતા હતા. એટલા અમે જિગરી મિત્રો જેવાં હતા. મારી સાથે એ ક્રિકેટ પણ રમતા, મસ્તી પણ કરતા. ૯૦’માં જ્યારે નવી-નવી પ્રાઇવેટ ચેનલ શરૂ થયેલી ત્યારે તેઓ અમારી સાથે બેસીને ટીવી સિરિયલની મજા માણતા. એમની સાથેની મારી આ બધી યાદો હજી પણ મારા માનસપટ પર છવાયેલી છે. મારા પપ્પા જ એકમાત્ર મારા મિત્ર હતા. આજે પણ મારા ઘરમાં મારા પત્ની છે, મારા સંતાનો છે બધા જ છે પણ એક મિત્ર તરીકે તેમને મિસ કરું છું.
હું મારી નાનામાં નાની વાતો એમની સાથે શેર કરતો. મને કોઇ મૂંઝવણ હોય તો પણ એમની સાથે જ વાત કરું અને એ મને રસ્તો પણ દેખાડતા હતા. તેમનું ૨૦૦૭માં નિધન થયું, પરંતુ હું માનું છું કે એ હંમેશાં મારી સાથે જ એવું મને લાગે છે. આજે હું જે કઇ પણ સફળ છું એ એમના આશીર્વાદના કારણે જ છું એવું હું દૃઢપણે માનું છું. અમે આગાખાની મુસ્લિમ છીએ. અમે લોકો રુહાની આત્માઓને ખૂબ જ તવજ્જૂ (માન) આપીએ. અમે સ્પેશિયલ દુઆ (પ્રાર્થના) માગીએ એમના માટે, કારણ કે અમે એવું માનીએ છીએ કે વ્યક્તિના નિધન બાદ એની આત્મા ઉપર તો જાય છે પણ એની હાજરી હંમેશાં એના નજીકના સંબંધીઓની આસપાસમાં જ હોય છે. મને પણ એવા ઘણાં બધા અનુભવ થયા છે કે એ સમયે મને લાગે કે મારા પપ્પા મારી આસપાસમાં ક્યાંક છે. આપણામાં ગમે તેટલી ટેલેન્ટ હોય પણ મા-બાપના આશીર્વાદ ન હોય તો ક્યારેય પણ સફળતા મળતી નથી. હું મારી જાતને નસીબદાર માનું છું કે એ મને મળ્યા છે અને કમનસીબ પણ માનું છું કે એ સદેહે મારી સાથે નથી.
મારું ભણતર બાન્દ્રાની શાળામાં જ થયું. સામાન્ય વિદ્યાર્થીઓની જેમ એ સમયે કરિયર વિશે હું બહુ વિચાર તો નહોતો. ફક્ત ભણવાનું અને શોખથી કવિતા લખતો. કોઇ સંબંધી કે મિત્રને ત્યાં કોઇ પ્રસંગ હોય તો એ કવિતા ગાઇને સંભળાવતો. લોકો પ્રશંસા કરતા. મારા પપ્પાને લાગ્યું કે મારા કોઇ ટેલેન્ટ છે. અને આમ આગળ કહ્યું તેમ મારા પપ્પાને ફિલ્મોનો ખૂબ જ ક્રેઝ હતો. એ દિલિપકુમાર સાબના બહુ મોટા ચાહક હતા. એમની સાથેનો એક કિસ્સો તમને કહું. દિલિપકુમાર સાબની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ થિયેટરમાં રજૂ થઇ હતી. એમાં તેઓ પ્રથમવાર ડબલ રોલમાં હતા. તો દિલિપકુમાર સાબના ક્રેઝના કારણે પપ્પાએ મને લઇને આખા દિવસમાં ફક્ત સમોસા અને પોપકોર્ન ખાઇને દિવસના ચાર શો જોયા. એના કારણે પણ મારા મગજમાં ફિલ્મ લાઇનનો કીડો સળવળ્યો હતો.
૧૯૮૮માં મારા પપ્પાને ન્યૂમોનિયા થઇ ગયો હતો. એ સમયમાં ન્યૂમોનિયાને કેન્સરના જેટલો જ ખતરનાક માનવામાં આવતો હતો. એટલે ડૉક્ટરે પપ્પાને સલાહ આપી કે મુંબઇ તમારી તબિયત માટે સારું નથી તમે કોઇ ઠંડા સ્થળે રહેવા જાવ. અને અમે બેંગલોર શિફ્ટ થઇ ગયા. પપ્પાએ ત્યાં એક ‘ધ પાર્ટી’ નામથી રેસ્ટોરા શરૂ કરી. પિટર સેલેસની એક ફિલ્મના નામ પરથી પપ્પાએ હોટેલનું નામ રાખ્યું હતું. પપ્પા એમની નાદુરસ્ત તબિયતના કારણે રિટાયર્ડ થઇ ગયા હતા. અને એ રેસ્ટોરાં મારાં મમ્મી ચલાવતાં હતાં અને અમે એમને મદદ કરતા હતા. ત્યાંની ક્રાઇસ્ટ કોલેજમાં હું ભણ્યો. ત્યાર બાદ મારાં ગીતો અને ગાયનની આવડતને કારણે પપ્પાએ નક્કી કર્યું આપણે મુંબઇ શિફ્ટ થઇએ. હવે તો મારી તબિયત પણ સારી છે. ત્યારે પપ્પાને કહ્યું કે પપ્પા હું એકલો જાવ છું વર્ષ-બે વર્ષ સ્ટ્રગલ કરીશ. જો કઇ નહીં થાય તો હું પાછો બેંગલોર આવી જઇશ. પણ પપ્પા ટસના મસ ન થયા કહે નહીં હું પણ તારી સાથે મુંબઇ આવીશ. પપ્પાએ ૨૩ વર્ષની ઉંમરમાં મારા લગ્ન પણ કરાવી દીધા હતા. મને હજી એ વાતનું આશ્ર્ચર્ય છે કે એણે (મારા પત્ની) મારા જેવા બેરોજગોર યુવાન સાથે લગ્ન કરવા માટે ‘હા’ કેમ પાડી. મારી કારકિર્દી બનાવવા માટે મારી સાથે મારા મમ્મી-પપ્પા, મારા ભાઇ-ભાભી એમની એક દીકરી અને મારી પત્ની અમે આઠ લોકો બેંગલોરથી મુંબઇ શિફ્ટ થયા. કોઇ પણ અણગમા વગર. બેંગલોરુની અમારી રેસ્ટોરાં મેનેજરને સોંપીને અમે મુંબઇ શિફ્ટ થયા. મુંબઇમાં ફિલ્મજગતમાં અમારું કોઇ જ ઓળખીતું નહોતું. બાન્દ્રાની લકી હોટેલમાં ત્રણ રૂમ બૂક કરાવ્યાં. પપ્પાને વિશ્ર્વાસ હતો કે મારો છોકરો ખૂબ જ સારું લખે છે તો એકાદ અઠવાડિયામાં તો કામ મળી જ જશે. પણ પપ્પાએ ખબર નહોતી કે ફિલ્મ લાઇન એ એવી લાઇન છે કે સફળતા મળતા સુધીમાં ચપ્પલ જ નહીં ઘણીવાર પગ પણ ઘસાઇ જાય. હું અને મારો ભાઇ સ્ટુડિયોના ધક્કા ખાઇએ. કોઇને કોઇને મળતા રહીએ, પણ કામ બનતું નહીં. તેથી મને ખૂબ જ ચિંતા થતી, કારણકે મારું આખું કુટુંબ મારી કારકિર્દી બનાવવા માટે પોતાનો કારોબાર છોડીને અહીં મુંબઇ આવ્યા છે. મેનેજરને ભરોસે હોટેલ છોડીને આવી ગયા હતા. એ સંભાળી ન શકતા એ બંધ કરી દીધી. દરરોજ પપ્પા અમારી રાહ જોતા ઊભા હોય કે આજે તો સાઇનિંગ મળી જ ગયું હશે. જ્યારે અમે નિરાશ વદને પાછા ફરીએ તો પપ્પા હંંમેશાં અમને પ્રોત્સાહન આપતા રહેતા. ચિંતા ન કરો આજે કામ નથી થયું તો કાલે થઇ જશે. આવો આપણે બિરિયાની ખાઇએ. અને રાત્રે જમીને પાછાં અમે નવાં ગીતો લખવા બેસી જતા. પપ્પાના સપોર્ટથી લકીની બિરયાની ખાઇને સ્ટ્રગલ કર્યું છે. અને લકીમાં છ મહિના રહ્યા બાદ પપ્પાને અને અમને સમજમાં આવી ગયું કે અહીં સફળતા આટલી આસાનીથી નથી મળતી. લકી હોટેલમાં છ મહિના સુધી ભાડું ચૂકવ્યું હતું. બાદમાં બાન્દ્રાની ગ્રિન પાર્ક બિલ્ડિંગમાં ભાડાં પર શિફ્ટ થયા. મારી આ સ્ટ્રગલમાં મારી ફેમિલી મારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી હતી. આખી ફેમિલીએ સાથે મળીને સ્ટ્રગલ કર્યું હોય એવું આ લાઇનમાં કદાચ નહીં બન્યુ હોય. મારા સ્ટ્રગલના સમયમાં ગોવિંદા મળ્યો, સલમાન ખાન મળ્યા, રાજુ હિરાની મળ્યાં એ બધાને મારાં ગીતો સંભળાવ્યાં. રાજુ હિરાનીની ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’નું ટાઇટલ ગીત મેં લખ્યું હતું. એ ગીતથી મને ઓળખ મળી. પહેલીવાર એ ગાયન જોઇને પપ્પાની સાથે-સાથે આખી ફેમિલીની આંખોમાં પાણી હતા. એ મારી પહેલી સફળતા હતી. બધા ખુશ હતા પણ આંખોમાં પાણી હતાં. નામ, દામ અને પૈસા તો બધા કમાય છે પણ સંબંધો કમાવા એ સૌથી અગત્યનું છે એ સૌથી સારો સંબંધ મારા પપ્પા સાથે હતો. હું ઉપરવાળાનો આભાર માનું છું કે એમણે મને મોકો આપ્યો કે મારા પપ્પા મારી સફળતાની શરૂઆત જોઇ શક્યા. વર્ષ ૨૦૦૭માં મારા પપ્પા બીમાર થયા ત્યારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે રાત્રિની ડયૂટી મારી હતી. એમણે મારી આંખોની સામે જ એમને દેહ છોડયો હતો. ત્યારે મને લાગ્યું કે મારાં શરીરમાંથી આત્મા ચાલી ગયો, મારા દિલમાંથી ધડકન ચાલી ગઇ. હું માની જ નહોતો શકતો તે અમને છોડીને ચાલી ગયા છે. એમના નિધનના ઘણા દિવસ બાદ તેમને યાદ કરીને રડ્યો હતો. હું મારા પપ્પા માટે ક્યારેય ભૂતકાળ શબ્દનો ઉપયોગ નથી કરતો. મારા પપ્પા હતા એવું ક્યારેય કહેતો નથી. મારા પપ્પા છે એવું જ કહું છું.
પપ્પાએ મને એક સલાહ આપી હતી કે તું જે લાઇનમાં છે એમાં તું સારું કામ કરીશ તો પણ બધા જ લોકો તારી વાહ વાહ નહીં કરે. એ તું ધ્યાન રાખજે. તારા કામમાં કોઇને કોઇ નૂક્સ નીકાળશે જ. આ બધી બાબતોને લઇને તું ક્યારેય હતાશ ન થતો, કારણ કે ‘જિસકા નામ હોતા હે વોહી બદનામ હોતા હે’. મેં આ લાઇનનો ઉપયોગ અક્ષયકુમારમી ફિલ્મ ‘બોસ’માં કર્યો હતો. હું કોમેડી વિષય લખું છું, કોમેડી રોલ કરું છું અને કોમેડી ફિલ્મો પણ બનાવું છું. ‘ચેન્નાઇ અક્સપ્રેસ’, ‘ગોલમાલ’, ‘હાઉસફૂલ’ની ફેન્ચાઇચિઝ અને એ સિવાય પણ ઘણી સુપરડુપર હિટ ફિલ્મો કરી છે. ઇન્ડસ્ટ્રીઝમાં દરેક કલાકાર કહેશે કોમેડી કરવી સરળ નથી, પણ કોમેડીને જોઇએ તેવું એપ્રિશિએશન મળતું નથી. આટલું બધુ કામ કર્યા બાદ પણ મને ક્યારેય કોઇ ઍવોર્ડ નથી મળ્યો. તો હું ઘણીવાર નિરાશ થઇ જતો. પણ બહાર જતા ત્યારે લોકો સામેથી આવીને મારી ફિલ્મોનાં પાત્રોની મારી સાથે ચર્ચા કરતા અને એમની ખુશી વ્યક્ત કરતા. એ જોઇને પપ્પા મને હંમેશાં કહેતા કે ‘બેટા તને કોઇ ઍવોર્ડ મળે કે ન મળે પણ પ્રેક્ષકોનો આ ઍવોર્ડ તારા માટે સૌથી મહત્ત્વનો છે. એમ કહીને પપ્પા મને પ્રોત્સાહન આપતા રહેતા. પપ્પાથી મને એ પણ શીખવા મળ્યું છે કે જ્યારે તમારી કોઇ ટીકા કરે તો એની તરફ બહુ ધ્યાન આપવુ નહીં, કારણ કે સારું બોલનારા લોકોની જેમ જ ટીકા કરનારા લોકો પણ રહેવાના. આ માણસનો સ્વાભાવિક સ્વભાવ છે.
મારા પપ્પાના સ્વભાવની વાત કરું તો એ ખૂબ જ ખુશમિજાજિ વ્યક્તિ હતી. એ જ સ્વભાવ મારામાં પણ આવ્યો છે અને મારી સફળતામાં એમણે ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે. ‘મસ્તી’ ફિલ્માંનાં પ્લેન ક્રેસવાળો એક કોમેડી સિન છે. એ પાત્ર વિજય રાજે ભજવ્યું હતું. બસ, મારા પપ્પાનો સ્વભાવ અદ્લ એ પાત્ર જેવો જ છે. મારા પપ્પા ખૂબ જ ધીમી ગતિના સમાચાર જેવા હતા. એક રસપ્રદ કિસ્સો જણાવું. એકવાર અમે લોકો બહાર ફરવા ગયા હતા, ત્યારે રાત્રે ૧ વાગે હોટેલમાં બૂમાબૂમ થઇ ગઇ કે હોટેલમાં બોમ્બ છે. અમે લોકો જે અમારો કિંમતી સામાન લઇને ભાગ્યા. ત્યારે પપ્પા પગમાં પહેરવાના મોજા શોધી રહ્યા હતા. અમે લોકો એમના ભડક્યા કે પપ્પા શું કરો છો? તો પપ્પા કહે મોજા ગોતી રહ્યો છું. ઉઘાડા પગે નીચે થોડું જવાય. બાદમાં ખબર પડી કે હોટેલવાળાઓએ એપ્રિલફૂલ બનાવ્યા હતા. પપ્પા ખૂબ જ દિલદાર માણસ હતા. ખુશ રહેવું અને ખુશ રાખવું એમાં માનતા. સલમાન ખાન સાથે મારા ઘણાં સમયથી મારા સંબંધ છે. એમની સાથે ફિલ્મો પણ કરી છે. એમના સ્વભાવને જોઉ ત્યારે મને ઘણીવાર મારા પપ્પાના સ્વભાવની યાદ આવી જાય. મારા પપ્પાની એક ઝલક ભાઇજાનમાં છે. એ દરિયાદિલ માણસ છે. એના વિચારો સામે આપણે બધા બહુ વામણા છીએ. એ કોઇપણ કામ કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર કરે છે. એવું નહીં કે આ વ્યક્તિ આપણને ભવિષ્યમાં કોઇ રીતે ઉપયોગી થશે એમ સમજીને એની સાથે સંબંધ રાખવો. આપણે વધારે ખુલીની વાત નથી કરતા, દિલથી દોસ્ત નથી બનાવતા, બીજા માટે વિચારતા નથી. મારા પપ્પા જેટલો સારો, દિલદાર અને મોટા દિલનો માણસ બનવાની કોશિશ કરી રહ્યો છું. એમાં ઘણે અંશે હું સફળ પણ થયો છું પણ હજી મંજિલ દૂર છે. આજકાલ લોકો દુનિયાદારી કરતા થઇ ગયા છે અને આપણે પણ જો એમના જેવા જ થઇશું તો આ જીવનનો મતલબ શું. મારા પપ્પા પાસેથી હું શીખ્યો છું કે બીજા માટે જીવો, ખુલીને જીવો અને સારી રીતે જીવો. આપણી જિંદગી કેટલી લાંબી છે એ કોઇને ખબર નથી તો જે પણ સમય મળ્યો છે એને સારી રીતે જીવી લઇએ.