મુંબઈઃ મુંબઈમાં વધી રહેલી ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા અને આવનારો સમય પણ ઈ-વ્હીકલ્સનો જ છે એ બાબતને ધ્યાનમાં લઈને મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ પોતાના કાફલામાં શક્ય એટલી ઈલેક્ટ્રિક બસોનો સમાવેશ કરી રહી છે. આ બસ માટે ડેપોમાં જ ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે. હવે આ ઈ ચાર્જિંગ સ્ટેશનમાં જ પ્રાઈવેટ વાહનધારકો પણ પોતાના વાહનો ચાર્જ કરી શકશે. બેસ્ટ દ્વારા કુલ 55 ઠેકાણે 330 ઈ- ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બેસ્ટ મુંબઈગરાને પ્રદૂષણમુક્ત ટ્રાવેલ કરવા મળે એ માટે પોતાના કાફલામાં માર્ચ, 2024 સુધી 4,000 જેટલી ઈ-બસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે અને આ બસને ચાર્જ કરવા માટે કુલ 55 ઠેકાણે 330 ઈ- ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે અને એમાંથી 10 ચાર્જિંગ સ્ટેશન તો માર્ચ, 2023 સુધી જ કાર્યરત્ કરવાની યોજના છે.
આ વિશે માહિત આપતા બેસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન કાર્યરત્ થઈ જશે અને અમુક ઠેકાણે અમને કનેક્ટિવિટીનો ઈશ્યુ આવી રહ્યો છે, તો કોઈ ઠેકાણએ મીટર અને ઈલેક્ટ્રિસિટીના કનેક્શનમાં સમસ્યા આવી રહી છે. અમે અમારા વાહનો ચાર્જ કરવા માટે આ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરી રહ્યા છે અને આ ચાર્જિંગ સ્ટેશન પર સ્કુલ બસ સહિત ખાનગી વાહનધારકો પણ તેમની કાર અને ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકશે, પરંતુ એમણે એ માટે પૈસા ચૂકવવા પડશે.
બેસ્ટની પ્રાઈવેટ બસ માટે રેવેન્યુ શેયરિંગના બેઝિસ પર આ ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. યુનિટ દીઠ ચાર્જિંગનો રેટ નક્કી કરવામાં આવશે અને આ રેટ મુંબઈગરાને પરવડે એવો હશે.
અહીંયા હશે ચાર્જિંગ પોઈન્ટ
કોલાબા, બેકબે, એનસીસીઆઈ, મંત્રાલય, મ્યુઝિયમ, હિરાનંદાની બસ સ્ટેશન, તાડદેવ બસ સ્ટેશન, બાંદ્રા રેક્લેમેન્શન, બાંદ્રા ઈસ્ટ બસ સ્ટોપ, માહિમ બસ સ્ટોપ. બાંદ્રા વેસ્ટ બસ સ્ટોપ, ગોરેગાંવ બસ ડેપો, ગોરેગાંવ વેસ્ટ બસ સ્ટોપ, સેવન બંગલો બસ સ્ટોપ, વાલકેશ્વર બસ સ્ટોપ