મુંબઈઃ આ વર્ષે રાજ્યમાં કોઈ પણ પ્રકારના નિર્બંધ વિના મહાશિવરાત્રિની ઊજવણી કરાઈ રહી છે અને જોર-શોરથી તેની તૈયારીઓ ચાલી રહી છે. શિવભક્તો મુંબઈના મહત્ત્વના શિવમંદિરમાં દર્શન માટે પહોંચી શકે એ માટે બેસ્ટ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માહિતી બેસ્ટે ટ્વીટર પર ટ્વીટ કરીને આપી હતી.
બેસ્ટ દ્વારા સંજય ગાંધી નેશનલ પાર્કની કાન્હેરી કેવ્ઝ અને દક્ષિણ મુંબઈના બાબુલનાથ મંદિર જવા માટે અલગ અલગ ઠેકાણેથી વધુ બસ દોડાવવામાં આવશે. નેશનલ પાર્કના ગેટથી કાન્હેરી કેવ્ઝ વચ્ચે સવારે સાડાદસથી સાંજે સાડાસાત વાગ્યા સુધી આ બસ દોડાવવામાં આવશે. જ્યારે બાબુલનાથ મંદિર જવા માટે સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે.
સંજય ગાંધી નેશનલ પાર્ક ગેટથી કાન્હેરી કેવ્ઝ બસ રૂટ નંબર 188 પર છ વધારાની બસ સવારે 10.30થી સાંજે 7.30 કલાક સુધી દોડાવવામાં આવશે જ્યારે બાબુલનાથ મંદિર માટે વાલકેશ્વરથી પ્રબોધન ઠાકરે રૂટ નંબર 57, વાલકેશ્વરથી એન્ટોપ હિલ વચ્ચે રૂટ નંબર 67 અને વાલકેશ્વરથી કોલાબા બસ સ્ટોપ રૂટ નંબર 103 પર સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી છ એડિશનલ સર્વિસ દોડાવવામાં આવશે.