(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શરૂ કરવામાં આવેલી નવી મેટ્રો લાઇન (મેટ્રો ૨એ અને મેટ્રો ૭)ના પ્રવાસીઓને લાસ્ટ માઇલની કનેક્ટિવિટી મળી રહે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા બેસ્ટ સાથે કરાર કરીને મેટ્રોના ગુંદવલી સ્ટેશનથી બીકેસી વચ્ચે એસી બેસ્ટની બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યુ હતું.
વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનમાંથી પણ બીકેસી જવાનું હાલાકી ભર્યું રહે છે, જેમાં સૌથી વધુ રિક્ષા વાળાનો ત્રાસ ભોગવવો પડે છે, જ્યારે મેટ્રોના પ્રવાસીઓના આ જ હાલ છે અને એનો રસ્તો કાઢીને મેટ્રોએ ગુંદવલીથી બીકેસી વચ્ચે એસી બસ શરૂ કરી છે.
બીકેસીથી ગુંદવલી અને ગુંદવલીથી બીકેસી વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારા લોકોને આ બસ સેવાથી ફાયદો થશે. એટલું જ નહીં ગરમીના દિવસોમાં પણ એસી બસની મુસાફરી કરવામાં રાહત થશે.
બીકેસીથી ગુંદવલી અને ગુંદવલીથી બીકેસી વચ્ચે ટ્રાવેલ કરનારા લોકોને પાર્કિંગની જગ્યા મળશે તેની સાથે આ બંને સ્થળ વચ્ચે બેસ્ટની એસ. ૧૧૨ નંબરની એસી બસ સેવા ચાલુ થશે. આ બંને સ્થળની વચ્ચે ૨૧ હોલ્ટ રહેશે. ગુંદવલીથી
બીકેસી વચ્ચે સવારે ૭.૩૦ વાગ્યાથી રાતના ૧૧.૪૦ વાગ્યા સુધી ૧૬ સર્વિસ ઉપલબ્ધ રહેશે, જ્યારે ગુંદવલીથી બિકેસી વચ્ચે બપોરના ૩.૪૦ વાગ્યાથી રાતના ૮.૧૫ વાગ્યા સુધી ૧૩ બસની ફેરી રહેશે. એટલે કુલ મળીને આ બંને રૂટ પર રોજની એસી બસની ૨૯ ટ્રીપ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ બસની સેવા ચાલુ કરવામાં આવી છે, જ્યારે એસી બસના નિયત ભાડા (૬૦ રૂપિયાથી ૯૦ રૂપિયા) પ્રમાણે વસુલવામાં આવશે, જ્યારે બેસ્ટની એપ્લિકેશન પરથી પણ ટિકિટ બુક કરી પ્રવાસી ટ્રાવેલ કરી શક્શે, એમ અધિકારીએ જણાવ્યું હતું.