મુંબઈઃ બેસ્ટ દ્વારા મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આપવામાં આવ્યા છે અને આ સમાચાર અનુસાર સોમવાર એટલે કે 12મી માર્ચથી સીએસએમટી રેલવે સ્ટેશનથી કફપરેડ (બેકબે) ડેપ્પો 138 રૂટ પર બીજી ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલી પહેલી સીએસએમટી એનસીપીએ રૂટ પર દોડાવવામાં આવે છે.
138 એ કફપરેડનો ખૂબ જ લોકપ્રિય રૂટ છે અને આ રૂટ પર પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે એટલે આ રૂટ પર બીજી ઈ-ડબલડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી બેસ્ટ દ્વારા આપવામાં આવી છે. હાલમાં કેટલી જૂની ડબલ ડેકર બસનું નવા રૂટ પર ટ્રાયલ ચાલી રહ્યું છે. હાલમાં બેસ્ટના કાફલામાં 45 જૂની ડિઝલ પર ચાલતી ડબલડેકર બસ છે.
નવી ઈલેક્ટ્રિક એસી ટ્વીન ડેક બસ દર મહિને બેસ્ટના કાફલામાં દાખલ થશે અને દર મહિને આવી 20થી 25 નવી બસ બેસ્ટના કાફલામાં દાખલ થઈ રહી છે. 200 બસનો પુરવઠો કરનારી અને ઈ-બસ ચલાવવાનો કરાર કરનારી સ્વીચ મોબિલિટી કંપનીએ આ વર્ષના અંત સુધીમાં બધી જ બસો મુંબઈના રસ્તા પર દોડતી થઈ જશે એવું જણાવ્યું હતું.
ઈ ડબલડેકર બસ માટે પાંચ કિલોમીટર સુધી પ્રવાસીઓએ 6 રૂપિયાનું ભાડું આપવામાં આવશે અને એક બસની કિંમત બે કરોડ રૂપિયા છે. બસનો આગળનો અને પાછળનો દરવાજો પહોળો હોઈ બે પગથિયા આપવામાં આવ્યા છે. આ સિવાય એક ઈમર્જન્સી એક્ઝિટ પણ આપવામાં આવી છે. અદ્યતન સુરક્ષા માપદંડોનું પાલન કરનારા સેફ્ટી ફિચર્સ આ બસમાં આપવામાં આવ્યા છે.