Homeપુરુષમાન્યતા-હકીકત: સાચાં- ખોટાંના આટાપાટા

માન્યતા-હકીકત: સાચાં- ખોટાંના આટાપાટા

વાંચેલી-સાંભળેલી અમુક વાત પહેલી નજરે તદ્દ્ન સાચી લાગે, પણ હકીકતમાં એ કાં તો સાવ ભ્રામક હોય કે પછી અર્ધ-સત્ય

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

એક અંગ્રેજી શબ્દ છે : Myth – મિથ
આપણી ભાષામાં એનો સીધો-સાદો-સરળ અર્થ છે :
માનવું કે માની લેવું તેનો બીજો પણ અર્થ છે : ખોટી માન્યતા- અમુક આમ જ છે ને અમુક તેમ જ છે એવી સામાન્ય માન્યતા, જેને મોટાભાગના લોકોએ સ્વીકારી લીધી છે-જે હકીકતમાં કાલ્પનિક વાત-દંતકથા કે પછી પુરાણકથા પણ હોઈ શકે
આપણા રોજિંદા જીવનની કેટલીક વાત એવી છે ,જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ મા-બાપ કે કોઈ વડીલ-જ્ઞાની પાસેથી સાંભળી હોય અથવા તો વાંચી હોય.આમાં ઘણી વાર દંતકથા પણ ઉમેરાય જાય. આવી કથાનો અમુક અપવાદ સિવાય ભાગ્યે જ કોઈ એનો વિરોધ કરે કે એને પડકારે, કારણ કે એ ‘આગુસે ચલી આતી હૈ’ બસ,આ જ આપણી મનોવૃત્તિને લીધે ઘણી ભ્રામક વાત સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવે છે અને એ વિષચક્ર ચાલતું જ રહે છે,જ્યાં સુધી પેલી વાતનું સામાજિક કે વિજ્ઞાનિક રીતે ખંડન ન થાય.
આમ છતાં અનેકવિધ ક્ષેત્ર એવાં છે,જ્યાં આજેય પણ Myth- ખોટી માન્યતાનું સામ્રાજય ફેલાયેલું છે. એમાંથી કેટલીક માન્યતાને તોડી પાડતી સાચી વાત વિશે જાણી લેવું રસપ્રદ છે-જરૂરી પણ છે. શરૂઆત આપણા આહાર – ખોરાકથી કરીએ, જેમકે
માન્યતા: વધુ ખોરાક લેવાથી આપણા શરીરનું મેટેબલિઝમ (ચયાપચયની ક્રિયા) ઝડપી બને છે.
હકીકત: વધુ ખોરાક લેવાથી ચયપચયની ક્રિયા દ્વારા એ ખોરાકને પચાવવાની થર્મિક ઈફેક્ટ ઓફ ફૂડ (TEF) એટલે કે ઊર્જા વધે છે, નહીં કે મેટેબલિઝમ ટૂંકમાં વધુ ખાવ ને એને પચાવવાની ઊર્જા વધારો. પરિણામે, તમે અજાણતાં જ નિયમિત કરતાં વધુ ખાવાનું પેટમાં પધરાવો છો.
માન્યતા: બ્રેકફાસ્ટ-સવારનો નાસ્તો ન લો તો શરીરમાં ફેટ-ચરબી વધી જાય..
હકીકત : કોઈ વાર બ્રેકફાસ્ટ ન લો તો એટલી કેલરી ઓછી એટલું જપણ એનાથી શરીરમાં ચરબી વધી જાય-વજન વધે એ વાત ભ્રામક છે.એકાદ વાર અપવાદરૂપે સવારનો નાસ્તો ચૂકી જાવ કે જતો કરો તો એનાથી તમારા શરીરની મેટેબલિઝમની ક્રિયા-પ્રક્રિયામાં ખાસ ફરક પડતો નથી. હા, તમે કલાકો સુધી ન ખાવ ને પછી આરોગો -પાછા ઉપવાસ કરો ને ફરી ખાવ તો વજનમાં ફેરફાર નોંધાય પણ ખરો.
માન્યતા: વારંવાર કંઈને કંઈ ખાતા રહેવાથી બ્લડ શ્યુગરનું પ્રમાણ યથાવત રહે છે.
હકીક્ત: એક વાત સમજી લો કે એકસાથે ભરપેટ ખાવાને બદલે અમુક સમયના અંતરે થોડું થોડું ખાવું એ પાચન માટે-સ્વાસ્થ્ય માટે અલબત્ત,સારું છે. એનાથી ઓચિંતી ભૂખ ઓછી લાગે છે અને શક્તિ-ઊર્જાનું પ્રમાણ પણ યથાવત રહે છે. જો કે તમે એકંદરે સ્વસ્થ રહેતા હો તો તમારું બ્લડ શ્યુગર કુદરતી રીતે પણ સ્થિર જ રહે છે. એને યથાવત રાખવાને ખાતર અકરાંતિયાની જેમ વારંવાર ખાવાની જરૂર નથી.
માન્યતા : તમારું શરીર અમુક માત્રામાં જ પ્રોટીન પચાવી શકે છે
હકીકત : ના. એ વાત બરોબર નથી કે નિશ્ર્ચિત માત્રામાં જ પ્રોટીન પચે છે અને એથી વધારાનું પ્રોટીન નકામું જાય છે. ધારી લો કે તમારા આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તો એને પચતા સમય લાગશે એટલું જ બાકી અમુક સમય પછી આપોઆપ એ તબક્કાવાર મસલ્સ-સ્નાયુમાં ભળી જાય છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી આપણે ત્યાં ઓર્ગેનિક ફૂડ કે એની પ્રોડ્ક્ટસનું વળગણ વધ્યું છે. લોકો એને વધુને વધુ (ક્યારેક તો હદ બહાર) અપનાવતા થઈ ગયા છે.સૌથી પહેલાં આપણે ટૂંકમાં ઓર્ગેનિક ફૂડની પરિભાષા જાણી લઈએ તો કૃત્રિમ ખાતર કે જંતુનાશક દવા વગર ઉગાડેલું અન્ન.
હવે આવા ખાદ્ય પદાર્થોને લઈને ફેલાયેલી કેટલીક ભ્રામક વાત-માન્યતાની વાત કરીએ.
માન્યતા: ઓર્ગેનિક ફૂડ કે એમાંથી તૈયાર થતી ખાદ્યસામગ્રી જ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે
હકીકત : ઓર્ગેનિક ખાદ્યસામગ્રી સારી એ ખરું,પણ એ જ સર્વ શ્રેષ્ઠ તે વાત અર્ધ-સત્ય છે. એને બદલે તમે ઋ તુ મુજબ નૈસર્ગિક રીતે ઉગાડેલાં ફળ કે પછી ધાન-અનાજમાંથી બનતાં આહાર આરોગો તો એ પણ એટલાં જ આરોગ્યપ્રદ છે
માન્યતા: નિયમિત ગાજરના સેવનથી આંખની દ્રષ્ટિ તેજ થાય છે-સુધરે છે
હકીકત : આ વાત મૂળ તો પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે લશ્કરી વિમાનના પાઈલટ માટે પ્રસરી હતી,જેને આજે પણ લોકો ખરી માને છે. હા, એ ખરું કે ગાજરમાં વિટામિન ‘એ’નું પ્રમાણ વધુ હોય છે,પણ ગાજરને માનવીની આંખ સાથે કશું લાગતું-વળગતું નથી.મૂળ વાત એ છે કે તાજાં શાકભાજી હંમેશાં બધી રીતે આરોગ્યવર્ધક છે.
આવી જ કેટલીક તબીબી માન્યતા પણ છે, જે તથ્ય કરતાં સાવ વેગળી છે. ઉદાહરણ તરીકે
માન્યતા: આપણે રોજિંદા ઓછામાં ઓછા ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ
હકીકત: આ પ્રકારની વાતને સમર્થન આપે એવા કોઈ જ વિજ્ઞાનિક કે તબીબી પુરાવા મળ્યાં નથી. આ માન્યતાથી વિરુદ્ધ વધુ પડતું પાણી પીવું એ આરોગ્ય માટે જોખમી છે. તરસ લાગે અને એ છીપાય એટલું પાણી પીવો તો ભયોભયો!
માન્યતા: આપણે બ્રેન -મગજનો માત્ર ૧૦% જ ઉપયોગ કરીએ છીએ
હકીકત : આપણું ૯૦ % મગજ વપરાયા વગરનું રહે છે એવી વાત- માન્યતાના પણ કોઈ વિજ્ઞાનિક પુરાવા કે કારણ જાણવા મળ્યાં નથી.
આ બધા વચ્ચે કેટલીક વાત -માન્યતા ખાસ્સી જાણીતી છે. એ છે જગતના કેટલાક શ્રીમંતો વિશે, જેમકે
માન્યતા: પોતાને ત્યાં કામ કરનારા- કર્મચારીઓના શ્રમ-સખત જહેમતને લીધે જ માલિકો શ્રીમંત થતા હોય છે
હકીકત : દરેક નિયમમાં અપવાદ હોય તેમ અહીં પણ કેટલાંક અપવાદ છે. ‘રીચ હેબિટ્સ’ પુસ્તકના જાણીતા અમેરિકન પત્રકાર-લેખક થોમસ સી. કોર્લેનાં અનેકવિધ સર્વેનાં તારણ મુજબ આજે ધનવાન બનનારી ૮૬ % થી વધુ વ્યક્તિઓ ખુદ દર અઠવાડિયે(પાંચ દિવસ) ઓછામાં ઓછા ૫૦થી વધુ કલાક સતત કામ કરે છે. કોઈ પણ કંપનીની સફળતા પાછળ સ્ટાફની કાર્યનિષ્ઠા જરૂર હોય છે,પણ માલિકે પણ વધુ સખત જહેમત કરવી પડે.
માન્યતા: મોટાભાગના જાણીતા શ્રીમંતો એમની વારસાગત સંપત્તિને લીધે વધુ ધનિક થયા છે
હકીકત: ના,એવું નથી. ૮૦% ટકા લોકો પોતાની જાતમહેનત અને કૌશલ્યને લીધે જગતના પ્રથમ ૧૦ શ્રીમંતોની યાદીમાં આવ્યા છે. બાકીના ૨૦% એ પોતાને વારસામાં મળેલી સંપત્તિનો ગુણાકાર કર્યો છે.
માન્યતા: મોટાભાગના શ્રીમંતો બહુ સાદી- સરળ જીવનશૈલી જીવે છે
હકીકત : તમે ભલે વાંચ્યું હશે કે વિશ્ર્વના એક નામેરી ધનવાન વોરેન બફેટ આજે પણ ૧૯૫૮માં ૩૧,૫૦૦ ડૉલરમાં ખરીદેલા ઘરમાં રહે છે. જો કે એમાં પાંચ બેડરૂમ છે અને એ ખુદ આજે પોતાના પ્રાઈવેટ જેટમાં ઊડે છે.
આજે જગતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં જેની ગણના થાય છે એવા ‘એમેઝોન’ના માલિક જેફ બેઝોસ પણ આજે એની વર્ષોપૂર્વે ખરીદેલી ‘હોન્ડા અકોર્ડ’ કારમાં પ્રવાસ કરે છે. અલબત્ત, એમનો પણ પ્રાઈવેટ જેટનો કાફલો છે. એટલું જ નહીં, એ કરોડો ડૉલરના ખર્ચે પોતાના સ્પેસક્રાફટમાં અવકાશયાત્રા પણ કરી આવ્યા છે..! ટૂંકમાં, માન્યતા કે હકીકત એ છે આવા નામી શ્રીમંતો એમનાં ગમતાં કામ અને શોખ પાછળ પણ ધારે એટલું ધન વેરી શકે છે, કારણ કે આમાંથી મોટાભાગના પોતાની આવકની ૫૦% રકમનું બુદ્ધિપૂર્વક આયોજન કરે છે અને બચત પણ કરે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -