(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહના અંતે અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 110નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વિશ્વ બજારથી વિપરીત ભાવમાં કિલોદીઠ રૂ. 116નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 116ના ઘટાડા સાથે રૂ. 67,706ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારોની વધતા ફુગાવાના જોખમો સામેની હેજરૂપી લેવાલી રહી હતી, પરંતુ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 110 વધીને અનુક્રમે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 54,258 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 54,476ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ સોનામાં રોકાણકારોની હેજરૂપી લેવાલીને ટેકે ભાવ આગલા બંધથી 0.2 ટકા વધીને ઔંસદીઠ 1796.53 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 1804.2 ડૉલર આસપાસના મથાળે અને ચાંદીના ભાવ 0.6 ટકા વધીને ઔંસદીઠ 23.70 ડૉલર આસપાસ રહ્યા હતા. જોકે, હવે વિશ્વ બજારમાં ક્રિસમસની એક સપ્તાહની લાંબી રજાઓ હોવાને કારણે કામકાજો પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે આગામી વર્ષ 2023માં સોનામાં ફુગાવાના જોખમ સામેની હેજરૂપી માગ જળવાઈ રહેવાનો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે. તેમ છતાં રોકાણકારો સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં કોવિડ-19થી અસરગ્રસ્તોની સંખ્યામાં થઈ રહેવા વધારાની સંખ્યા પર પણ નજર રાખી રહ્યા છે. જો ચીનમાં ફરી લૉકડાઉનના કડક નિયંત્રણો લાદવામાં આવે તો માગ પર વિપરીત અસર પડે તેવી શક્યતા નકારી ન શકાય.