(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે દેવાની કટોકટીનો ઉકેલ આવે તેવા આશાવાદે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ડૉલરની મજબૂતી સાથે સોનામાં સલામતી માટેની માગ ઘટતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧થી ૧૭૨નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ બાવીસ પૈસા ગબડીને ૮૨.૫૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ ઘટી આવ્યા હતા.
આજે મુખ્યત્વે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ છતાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧ ઘટીને રૂ. ૬૦,૨૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૨ ઘટીને રૂ. ૬૦,૪૭૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ રહ્યું હતું તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ના ઘટાડા સાથે રૂ. ૭૧,૪૯૬ના મથાળે રહ્યા હતા.
અમેરિકી પ્રમુખ જૉ બાયડન અને કૉંગ્રેસ્નલ રિપબ્લિકન કેવિન મૅકકૅર્થી ટૂંક સમયમાં જ સંભવિત ડિફોલ્ટ ટાળવા માટે દેવાની ટોચ મર્યાદા ૩૧.૪ ટ્રિલિયન ડૉલર સુધી વધારવા સહમત થશે એવા નિર્દેશો મળતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું તેમ જ સોનામાં સલામતી માટેની માગ ઓસરી જતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૭૬.૬૯ ડૉલર અને ૧૯૭૮.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૪૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.