(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવા ઉપરાંત રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના પૅ રૉલ ડેટા પર હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સોનાના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૬ની પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં વિશ્વ બજારથી વિપરીત મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૧નો સુધારો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ સ્થાનિક બજારમાં ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી રિટેલ ગ્રાહકોની જૂના સોના વેચવાલીનું દબાણ રહેતુ હોવાથી નવી ખરીદીમાં નિરુત્સાહી વલણ રહેતાં જ્વેલરી ઉત્પાદકોની માગ પણ લગભગ ઠપ્પ જેવી થઈ ગઈ છે. છતાં આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૩૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૫૭૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૧ના સાધારણ સુધારા સાથે રૂ. ૭૩,૯૬૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ અને આવતીકાલે અમેરિકાના પૅ રૉલ ડૅટાની જાહેરાતને ધ્યાનમાં લેતા રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૧૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સોનાના ભાવ વધીને માર્ચ, ૨૦૨૨ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૩૦.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ સપ્તાહે ઑપૅક સહિતનાં ક્રૂડતેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદનકાપ મૂકવાનો નિર્ણય લેતાં ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિ અને અમેરિકાનાં આર્થિક ડેટા નબળા આવતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે ૨.૩ ટકાનો વધારો થયો છે. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો થવાથી સોનામાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ જોવા મળી હોવાનું વિશ્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્વિક સોનામાં ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.