નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગણતરીના સમયમાં આર્થિક વર્ષ 2023-2 4નું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ તેમનું પાંચમું બજેટ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે અને આ જ કારણસર આ બજેટ ચૂંટણીલક્ષી બજેટ હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આની સાથે સાથે જ નોકરિયાત વર્ગ ટેક્સ સ્લેબમાં ફેરફાર અને રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. આ સિવાય સામાન્ય લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ હોય છે, જેના માટે લોકો ગૂગલ પર સર્ચ કરે છે. કેન્દ્રીય બજેટ 2023 પહેલાં આવો જાણીએ કે લોકો ગુગલ પર સૌથી વધુ કઈ પાંચ વસ્તુઓ સર્ચ કરી રહ્યા છે-
યે બજેટ કા મતલબ હૈ ક્યા?
કેન્દ્રીય બજેટ 2023ની રજૂઆત પહેલાં લોકો ગૂગલ પર બજેટનો અર્થ સર્ચ કરી રહ્યાં છે. બજેટ એ નાણાકીય વર્ષના અંતે સરકારની આવક અને ખર્ચનો અંદાજ છે, જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે. બજેટમાં સરકારના નાણાંની રૂપરેખા આપવામાં આવે છે, જેમાં તમામ સ્ત્રોતોમાંથી આવક અને તમામ પ્રવૃત્તિઓ માટેના ખર્ચનો સમાવેશ થાય છે.
બજેટ કેટલા પ્રકારના હોય છે?
મોટાભાગના લોકો ગૂગલ પર બજેટ કેટલા પ્રકારના હોય છે એ વિશે સર્ચ કરી રહ્યા છે.
તો તમારા આ સવાલનો જવાબ છે કે બજેટ ત્રણ પ્રકારના હોય છે –
સંતુલિત બજેટ
સરપ્લસ બજેટ
ડેફિસિટ બજેટ.
સંતુલિત બજેટમાં સરકારની આવક અને ખર્ચ સમાન હોય છે. સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચ કરતાં વધુ હોય છે. ખાધના બજેટમાં સરકારનો ખર્ચ તેની આવકના સ્ત્રોત કરતાં વધી જાય છે.
બજેટ સત્ર 2023
બજેટ સત્ર 2023 ગૂગલ પર સર્ચ થઈ રહેલી ત્રીજા નંબરનો વિષય છે. ગઈકાલે એટલે કે 31મી જાન્યુઆરી બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ સાથે થઈ હતી. લોકો આ વિશે વધુને વધુ સર્ચ કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે આ વખતે બજેટમાં તેમના માટે સરકારે શું પ્લાન કર્યું છે.
કબ હૈ બજેટ, હા કબ હૈ યે બજેટ…
લોકો Google પર બજેટ તારીખ પણ સર્ચ કરી રહ્યાં છે. દુનિયામાં કેટલાક એવા “સુખી” લોકો પણ છે કે જેમને આજના મહત્વના દિવસની તારીખ ગૂગલ પરથી જાણવાનો પ્રયાસ કરવો પડે છે. આવા આ સુખી લોકો માટેની જાણ માટે કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી, 2023ના સવારે 11 વાગ્યે સંસદમાં તેમનું પાંચમું બજેટ રજૂ કરશે.
બજેટ 2023ની અપેક્ષાઓ
સામાન્ય લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને લોકો ગૂગલ પર સર્ચ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આવકવેરામાં ફેરફાર થવાની સંભાવના છે. બજેટમાં મધ્યમ વર્ગને રાહત મળવાની પણ ઘણી આશા છે, કારણ કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગમાંથી આવે છે એટલે તેઓ મધ્યમ વર્ગની મુશ્કેલીઓ સારી રીતે સમજે છે.