મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે-ભાજપ સરકારને સોમવારે નવી મુંબઈમાં એક મેગા એવોર્ડ ફંક્શનમાં લોકોના લૂના કારણે થયેલાં મૃત્યુ અંગે ટીકાઓનો સામનોે કરવો પડ્યો હતો. નવી મુંબઈ સ્થિત બળબળતી ગરમીમાં ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આઠ દર્દી હજી પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. વિપક્ષીઓએ આ પ્રકરણે તપાસની માગ કરી હતી. કોંગ્રેસે સદોષ મનુષ્યવધના કેસની માગણી કરી હતી અને કહ્યું હતું કે શિંદે-ભાજપ સરકારે રાજીનામું આપવું જોઇએ, એવું જણાવીને એનસીપીએ આ ઘટનાની તપાસ કરવાની માગણી કરી હતી. આધ્યાત્મિક નેતા અને સમાજસુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કાર્યક્રમમાં રવિવારે રાયગડ જિલ્લાના ખારઘર વિસ્તારમાં ૩૦૬ એકરના મેદાનમાં હજારો લોકો એકઠા થયા હતા. સ્થળ નજીક મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રવિવારે આ કાર્યક્રમમાં લૂ લાગવાને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. જોકે સોમવારે સારવાર હેઠળ બે દર્દીનાં મોત થતાં આ આંકડો વધીને ૧૩ પર પહોંચ્યો હતો. મૃતકોમાં નવ મહિલાનો અને ચાર પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે હજી પણ આઠ જણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમિત શાહને અન્ય કોઇ કાર્યક્રમમાં જવાનું હોવાથી બપોરના સમયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમ જ નેતાઓ અને મહાનુભાવો માટે વાતાનુકૂલિત વ્યવસ્થા રાખવામાં આવી હતી અને કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાઓ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી હતી, એવા અનેક સવાલો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. અત્યારે તો શિંદે-ભાજપ સરકારે વાતાનુકૂલિતમાં બેઠા હોવા છતાં લૂ લાગી ગઇ હોવાનું જણાઇ રહ્યું છે. (પીટીઆઈ)
—
સારામાં સારો કાર્યક્રમ શોકાંતિકામાં ફેરવાયો, તેનું કારણ લાપરવાહી: અજિત પવાર
થાણે: નવી મુંબઈમાં યોજવામાં આવેલા ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ કાર્યક્રમમાં લૂ લાગવાને કારણે થયેલાં મોત એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, એમ જણાવીને વિરોધ પક્ષના નેતા અજિત પવારે સોમવારે કહ્યું હતું કે સારામાં સારો કાર્યક્રમ શોકાંતિકામાં ફેરવાયો, જેનું મુખ્ય કારણ હતું લાપરવાહી. ગરમીમાં તાપમાનનો પારો ઊંચે ચડતો હોય છે અને ભરબપોરે જ શા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ અંગે તપાસ થવી જોઇએ, એવી માગ અજિત પવારે કરી હતી. ખારઘર વિસ્તારમાં ૩૦૬ એકરના મેદાનમાં રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં લાખો લોકો આવ્યા હતા. સ્થળની નજીકના હવામાન મથકે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પવારે મોડી રાતે કામોઠે ખાતે આવેલી એમજીએમ હોસ્પિટલની મુલાકાતે લીધી હતી અને લૂનો ભોગ બન્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોનાં સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી.
પત્રકારો સાથે વાત કરતાં તેમણે આ ઘટનાને સૌથી દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે દર્દીઓ જલદીથી સાજા થઇ જાય એ જ પ્રાથમિકતા છે. એનસીપીના નેતાએ દાવો કર્યો હતો કે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે એપ્રિલ અને મે મહિનામાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચે હોય છે, જે મહારાષ્ટ્ર સરકારે ધ્યાન રાખવા જેવું હતું.
એવોર્ડ ફંક્શન માટે બપોરનો સમય કોણે રાખ્યો હતો, તેની તપાસ કરવાની જરૂર છે, એવું અજિત પવારે જણાવ્યું હતું. પવારે એવું પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ સાંજે યોજાઇ શક્યો હોત અને અમિત શાહ હેલિકોપ્ટરથી પણ આવી શક્યા હોત. છેવટે તેમણે એવું પણ કહ્યું હતું કે બેદરકારીને કારણે સારામાં સારા કાર્યક્રમને કલંક કેવી રીતે લાગી શકે છે એ નવી મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે આ કાર્યક્રમમાં આધ્યાત્મિક નેતા અને સમાજસુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો. નવી મુંબઈમાં ખારઘર અને તેની આસપાસની હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર ચાલી રહી હોવાથી સત્તાવાળાઓ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા આપી શક્યા નથી. (પીટીઆઈ)
—
મારા કુટુંબના ૧૩ સભ્યો પર આવી આફત: અપ્પાસાહેબ
અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરવા માટે ખારઘર ખાતે સેન્ટ્રલ પાર્કના મેદાન પર રવિવારે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમ કરુણાંતિકામાં પલટાયો. લૂ લાગવાને કારણે ૧૩ સભ્યોએ જીવ ગુમાવવા પડ્યા છે અને હજી અનેક જણની સારવાર ચાલી રહી છે. આ અંગે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ વિજેતા અપ્પાસાહેબ ધર્માધિકારીએ વ્યથિત મને પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે મારા પરિવારના ૧૩ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના મારા માટે અત્યંત દુખદાયી છે. મૃત્યુ પામેલા સભ્યોનાં કુટુંબોની અને મારી વેદના સરખી જ છે. શ્રી સભ્યોના પરિવારોની એકમેકની સાથે રહેવાની પેઢીઓથી પરંપરા છે. આથી જ અમે આપત્તિમાં ફસાયેલા લોકોની સાથે જ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ખૂણખાંચરે મોટી સંખ્યામાં લોકો હાજરી આપવા માટે આવ્યા હતા.
—
અમિત શાહ માટે સમય બદલાયો હોય તો એ કમનસીબ છે: ઉદ્ધવ ઠાકરે
રવિવારે લૂ લાગવાને કારણે મોતનું જે તાંડવ થયું અને આ માટે સરકાર સામે કાર્યવાહી થવી જોઇએ, એવું કહીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમિત શાહ માટે સમય બદલાવવામાં આવ્યો હોય તો એ કમનસીબી છે. દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમ માટે આવો સમય કોણે નક્કી કર્યો? લાપરવાહીને કારણે મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમને લાંછન લાગ્યું. સરકાર હવે આ ઘટનાની તપાસ કરશે કે કેમ એ કોને ખબર, પણ અમિત શાહને અન્ય ઠેકાણે મુલાકાત માટે જવાનું હોવાથી કાર્યક્રમનો સમય બપોરે કરવામાં આવ્યો, હવે એની તપાસ કોણ કરશે, એવો સવાલ પણ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.
—
તપાસ માટે પેનલની રચના કરો: સુપ્રિયા સુળે
એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ ૧૭મી એપ્રિલે નવી મુંબઈમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ પછી લૂને કારણે થયેલાં મોત અંગે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે એક પેનલની રચના કરવાની જરૂર છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તાપમાન વધી રહ્યું હોવાથી દરેક વ્યક્તિએ સાર્વજનિક કાર્યક્રમનું આયોજન કરતી વખતે થોડું સંવેદનશીલ હોવું જોઇએ. મુખ્ય પ્રધાને મૃતકના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી હતી, પણ કોઇ પણ વ્યક્તિનું જીવન પાંચ લાખ રૂપિયાનું ન હોઇ શકે.
—
શિંદે સરકાર સામે સદોષ મનુષ્યવધનો કેસ નોંધો: પટોલે
નવી મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કાર્યક્રમમાં રવિવારે થયેલા લૂને કારણે મૃત્યુ માટે એકનાથ શિંદે સરકારે સામે સદોષ મનુષ્યવધનો કેસ નોંધવો જોઇએ, એવું મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ સોમવારે જણાવ્યું હતું. અપ્પાસાહેબ માનવતા માટે કામ કરી રહ્યા છે અને જ્યારે તેમના કદના કોઇને એવોર્ડ આપવામાં આવે છે ત્યારે સ્વાભાલિક છે કે તેમના લાખો અનુયાયીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સરકારને આ વાતની જાણ હતી, પરંતુ સ્ટેજ પર વાતાનુકૂલિત વાતાવરણ અમિત શાહ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને અન્ય મહાનુભાવો માટે જ રાખવામાં આવ્યું હતું, એવું પટોલેએ જણાવ્યું હતું.
—
રાજનીતિ લોકોની સુવિધાને અસર કરી રહી છે
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સોમવારે એક એવોર્ડ સમારોહમાં હાજરી આપ્યા બાદ લૂને કારણે થયેલી ઘટના માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને દાવો કર્યો હતો કે લોકોની સુવિધાને અસર કરી રહ્યું છે રાજકારણ. ઉ