Homeવીકએન્ડપડદાથી લાવવામાં આવતી સુંદરતા

પડદાથી લાવવામાં આવતી સુંદરતા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સુંદરતા એ મૂળમાં હોવી જોઈએ, પણ આજના સંદર્ભમાં સ્થાપત્ય: ક્યાંક ટૂંકો રસ્તો અખત્યાર કરવામાં આવે છે.
એક સમય હતો જ્યારે સ્થાપત્યમાં સુંદરતા અંતર્ગત વણાયેલી રહેતી, મકાનની મૂળ રચના જ એ રીતે થતી કે તેમાં જાણે દૃશ્ય અનુભૂતિ માટેની બધી જ વાતો વણાઈ ગઈ હોય. તેના પર પડદો નાંખી તેને ઢાંકી દેવાની તથા તે પડદાની સુંદરતાને સ્થાપત્યની સુંદરતા સાથે જોડવાનો પ્રયત્ન ન થતો. મકાન પોતે જ એક ‘ઉપયોગી’ શિલ્પ સમાન બની રહેતું. આમ પણ સ્થાપત્યની શ્રેણીમાં આવતી રચનાઓને યંત્ર તથા શિલ્પના સમન્વય તરીકે જ લેખાય છે, પણ હવે સ્થપતિનો એક વર્ગ સંજોગો પ્રમાણે ‘ખોખું’ બનાવી દે છે અને તેના પર એક તેમની દૃષ્ટિએ સારું દેખાતું આવરણ મઢી દે છે. આ એક એવી પ્રક્રિયા છે કે જાણે મશીન બનાવી તેના પર પતરું જડી તેને સારું દેખાડવાનો પ્રયત્ન કરવા જેવી આ વાત થઈ.
સ્થાપત્યની રચનામાં પ્રયોજાતા માસ-સ્પેસથી અર્થાત્ સામગ્રી – અવકાશ થકી જ એક ચોક્કસ દૃશ્ય – અનુભૂતિ ઊભરતી હોય છે. જો આ બંનેની ગોઠવણ ચોક્કસ નિયમોને આધારિત લયબદ્ધ હોય તો મકાનની સુંદરતા માટે તે જ પૂરતું ગણાય. આમાં પણ જો પ્રકાશ – છાયાથી જો તેનું ઊંડાણ પકડાતું હોય તો તે તેમાં જાણે ચાર ચાંદ લાગી જાય. સ્થાપત્યમાં જે સામગ્રી વપરાય તે સામગ્રીની પણ પોતાની સુંદરતા હોય છે. પરંપરાગત સ્થાપત્યમાં માટીની સુંદરતાને જ ખાસ સ્તર સુધી લઈ જવાતી અને તેની અનુભૂતિને ઉત્સવલક્ષી બનાવી દેવાતી. ઐતિહાસિક સ્થાપત્યમાં રેતાળ પથ્થરને પણ તેના મૂળ ગુણધર્મો પ્રમાણે નિખારતો, તેમાંથી પણ સૌંદર્ય નીતરતું. આધુનિક સમયમાં ફ્રેન્ચ સ્થપતિ લી કાર્બુઝિયરે કોંક્રિટના મૂળભૂત સૌંદર્યને જેમનું તેમ રાખી રમ્ય દૃશ્ય – અનુભૂતિ સર્જીને ખાસ ઉદાહરણ પૂરું પાડેલું. તેવી જ રીતે જર્મન સ્થપતિ મીસ વાન ડે રૉહે કાચ અને લોખંડની ખાસ પ્રકારની ગોઠવણથી સ્થાપત્યમાં સુંદરતા આણી હતી. ભારતના લૉરી બેકરે ઈંટના ઉપયોગ થકી જ પોતાની રચનાઓને જોઈને માણવા જેવી બનાવી હતી.
કોંક્રિટ પણ સુંદર દેખાઈ શકે અને ઈંટ પણ. વાંસનો પણ સુંદર ઉપયોગ થઈ શકે અને લાકડાંનો પણ રેશમમાંથી પણ સારા દેખાતા વસ્ત્ર બનાવી શકાય અને ખાદીમાંથી પણ. પ્રશ્ર્ન સામગ્ર્રીનો નથી, દાનત અને આવડતનો છે. કદાચ ‘ટૂંકો રસ્તો’ના વિચારો જ્યારે વધુ પડતાં થઈ જાય ત્યારે ગ્રાહક અને સ્થપતિ, એ બંને મકાનના મૂળભૂત માળખાનો ‘સંતાડતી પડદી’ બનાવી નાંખવાની ઈચ્છા રાખે.
સુંદરતા આકારથી આવી શકે. આ આકારોની પસંદગી તથા તેની ગોઠવણથી જો અંદરોઅંદર સંવાદ સ્થપાય તે જ મકાનને સારું દેખાતું બનાવવા માટે પૂરતું થઈ રહે. સુંદરતા પ્રમાણ માપથી પણ ઊભરી શકે. સામગ્રીની સુંદરતા તો હોય જ પણ તેના ઉપયોગના પ્રકારમાં પણ એક નવી જ સુંદરતાની શૈલી ઊભરી શકે. મકાનના જે તે ભાગના આર્ટીક્યુલેશન – વિગતીકરણ પણ તે મકાનને સુંદર બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. અરે, મકાનની તકનિકી ડીટેઈલની પણ સુંદરતા હોય છે. આ બધું ઓછું પડતું હોય તો ટેક્ષ્ચર અને રંગ તો હાજર જ છે. મકાનની દૃશ્ય – અનુભૂતિ સમૃદ્ધ બનાવવા આટલા બધાં માધ્યમો હોવા છતાં મકાનને સુંદર દેખાડવા એક પડદી બનાવવાની જરૂરિયાત ક્યાંથી ઊભી થઈ. આ તો મકાનને ‘ગ્લેમરસ’ બનાવવા પાવડર – લાલી લગાડવા જેવી વાત થઈ. આવું તો કદાચ આ એક જ વ્યવસાયમાં થતું હશે.
જો મકાનનું મૂળભૂત માળખું માત્ર ઈજનેરી નિયમોને આધારે જ બનાવાયું હોય, જો મકાનમાં જરૂરી કાયદાકીય જોગવાઈને કારણે ન ગમે તેવાં નિર્ણયો લેવા પડ્યાં હોય, જો મકાનની રચના નિર્ધારિત કરવામાં પૂરતો સમય અપાયો ન હોય અને ‘પછી જોઈ લઈશું’નો અભિગમ રખાયો હોય, જો સ્થપતિ પોતાની નૈતિક જવાબદારીઓ પ્રત્યે એટલો સંવેદનશીલ ન હોય, મકાનના ઉપયોગયુક્ત બાંધકામમાં ક્યાંક બિનજરૂરી ઉતાવળ વર્તાતી હોય – આ અને આવા સંજોગોમાં મકાનને સંતાડતી પડદી બનાવવાની જરૂરિયાત જણાય.
મકાનની શોભા એ સાંદર્ભિક અને સાંજોગિક ઘટના છે. તેની માટેનો કોઈ ચોક્કસ માપદંડ નથી. તેને નિર્ધારિત કરવા કોઈ સર્વ સ્વીકૃત પ્રક્રિયા પણ નથી. તેને પામવા – તેને સિદ્ધ કરવા ક્યાં ક્યાં પરિબળોને ધ્યાનમાં રાખવાં જ જોઈએ કે તેની માટે ક્યાં ક્યાં સાધનો પ્રયોજવાં જોઈએ જ તે પણ અનિશ્ર્ચિત છે. આ આખી બાબત વ્યક્તિલક્ષી ગણાય છે. પણ સાવ જ તેમ નથી. કેટલાંક મકાનો, બધાંને નહીં તો, ઘણાંને તો ગમે જ છે. તો તેની પાછળ કંઇ કારણો તો હશે જ, કંઇ સિદ્ધાંત તો હશે જ. પણ એ વાત તો નક્કી છે કે દંભી આવરણથી તે મકાન સુંદર નથી દેખાતું, હા, જો એ પડદી ‘સારી’ બનાવાઈ હોય તો તે પડદી સુંદર દેખાય – મકાન નહીં.
જોકે આવી પડદીનાં કેટલાંક ફાયદા પણ છે. આબોહવાનાં કેટલાંક વિપરીત પરીબળો સામે આવી પડદી અસરકારક બની શકે. તે મકાનને એક મૌલિક તેમજ સ્વતંત્ર ભાવ પણ આપી શકે. તે એક રીતે જોતાં મુક્ત અભિવ્યક્તિનું પ્રતીક બની શકે – જેમ કે મકાનના અંદરના ભાગમાં મ્યુરલ કે ભીંત-શિલ્પ બનાવાતાં હોય છે. તેની રચના સ્વતંત્ર હોવાથી સમયાંતરે તેમાં બદલાવ પણ કરી શકાય અને એ જ જૂનું મકાન નવું લાગી શકે, પણ જ્યારેે આપણે સ્થાપત્યની સુંદરતાની વાત કરીએ ત્યારે આવી પડદી ‘બહાર’ની સુંદરતા જ બની રહે.
અંતર્ગતતા તથા સહજતામાં રહેલી સુંદરતા બાહ્ય આવરણ થકી સર્જાયેલ સુંદરતા કરતાં ઘણું ઊંચું સ્થાન પામે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -