મેલ મેટર્સ -અંકિત દેસાઈ
પુરુષનું દાઢીધારી હોવું તેને વધુ આકર્ષક બનાવે છે કે તેનું ક્લિન સેવ્ડ હોવું તેને વધુ પ્રભાવક બનાવે છે આ વિશે આદમ અને ઈવના જમાનાથી મતમતાંતર છે. અલબત્ત, આદમના સમયે સેવિંગ કીટ કે ઈવન કાતરની પણ શોધ નહીં થઈ હોય એ આડવાત છે. વળી, હાલમાં આપણે એવી સામાજિક વ્યવસ્થામાં આવી ગયા છીએ જ્યાં પુરુષો એવા વિચાર સાથે બિયર્ડ કે ક્લિન સેવ્ડ નથી રાખતા કે સ્ત્રી કે ઈવન બીજા પુરુષને કે ઈવન કોઈ પણ તેઓ કેવા લાગે છે!
તેઓ એટલા માટે જ બિયર્ડ કે ક્લિન સેવ્ડ રહે છે કે તેમનું ફેશન સ્ટેટમેન્ટ
તેમને ગમે છે. પણ હા, આજેય એવા કેટલાય પુરુષો છે, જે સ્ત્રીઓની
પસંદ- નાપસંદ પર નિર્ભર રહે છે અને સ્ત્રીઓ છે કે તેઓ પુરુષની બિયર્ડ કે ક્લિન સેવ્ડ વિશે સાવ આગવો અભિગમ
ધરાવે છે.
સ્ત્રીઓ પર થયેલા એક સંશોધનના આંકડા કહી રહ્યા છે કે બિયર્ડ પુરુષ સ્ત્રીઓને સેક્સ અપીલના મુદ્દે હંમેશાં ગમ્યો છે, પરંતુ સ્ત્રીઓનો એક મોટો વર્ગ ક્લિન સેવ્ડ
પુરુષને વધુ અપ્રોચેબલ તેમ જ વિશ્ર્વનીય માને છે.
સ્ત્રીઓ એવું કહે છે કે ક્લિન સેવ્ડ પુરુષ પાસે હોય ત્યારે અહેસાસ થતો નથી, જ્યારે બિયર્ડ પુરુષ દિલનો સાફ હોય તો યે મનમાં એક ભય ઊપજે છે કે આ પુરુષ ક્યાંક કોઈ ગેરલાભ ન લે! આ તો ઠીક સ્ત્રીઓ એવું પણ માને છે કે ક્લિન સેવ્ડ પુરુષ દાઢીધારી પુરુષ કરતાં વધુ સોફેસ્ટિકેટેડ હોય છે.
જોકે આ વાત ફર્સ્ટ ઈમ્પ્રેશનના સંદર્ભે છે. વાસ્તવમાં એવું નથી જ નથી. દાઢી કે ક્લિન સેવ્ડ વિશેનો સર્વે અહીં જ નથી અટકતો, પરંતુ આ સર્વેમાં સ્ત્રીઓના એક મોટા વર્ગે એમ પણ સ્વીકાર્યું છે કે તેમને ક્લિનસેવ્ડ પુરુષો હંમેશાં બુદ્ધિશાળી લાગ્યા છે.
તો મહત્ત્વનો મુદ્દો તો ત્યારે આવે છે જ્યારે સ્ત્રીઓએ સોય ઝાટકીને એમ કહી દીધું કે જ્યારે પણ રોમાન્સ કે ફોરપ્લેની વાત આવે છે ત્યારે પુરુષની દાઢી હંમેશાં અડચણરૂપ બની છે અને દાઢીને કારણે જ અનેક સ્ત્રીઓ માટે રોમાન્સ દોહ્યલો બની ગયો છે.
રોમાન્સની જ વાત નીકળી છે તો એકબીજું મહત્ત્વનું ફેક્ટ જાણી લઈએ કે મોટાભાગની સ્ત્રીઓ એમ પણ માને છે એ દાઢી પુરુષનો અડધો ચહેરો, ખાસ તો હોઠો, ગાલ અને હડપચી ઢાંકી દે છે. અને એ સ્ત્રીઓનું કહેવું છે કે તેમને તેમનો પુરુષ કોઈ પણ પ્રકારના આવરણ વિના જ જોવો ગમે છે! આથી તેમને દાઢી ગમતી નથી.
તો કેટલીક સ્ત્રીઓ કહે છે કે દાઢીને કારણે હાઈજિનીટીના પ્રશ્ર્નો પણ ઊભા થાય છે. તેઓ એમ માને છે કે દાઢીધારી પુરુષને સ્કિનના કે પછી પસીનાની દુર્ગંધના અત્યંત પ્રશ્ર્નો હોય છે. એટલે તેઓ દાઢીધારીઓથી દૂર રહે છે અને પોતાના પુરુષ પાસે પરાણે ક્લિન સેવ્ડ રખાવે છે.
જોકે અગાઉ કહ્યું એમ આ ફાઈન્ડિંગ્સ કંઈ સનાતન સત્ય નથી. બીજી તરફ સ્ત્રીઓનો એક વર્ગ એવો પણ છે, જે એમ માને છે કે ક્લિન સેવ્ડ પુરુષો કરતાં દાઢીધારી પુરુષો વધુ પૌરુષત્વ ધરાવે છે. અથવા ક્લિન સેવ્ડ પુરુષો તેમને નાજૂક- નમણાં લાગે છે.
જોકે આ બંને સ્થિતિ એ પુરુષના વ્યક્તિત્વની બાહ્ય બાજુ જ છે. એનાથી કંઈ પુરુષનો આંતરિક સ્વભાવ નક્કી ન થઈ શકે. એવું ન હોત તો આજે આપણી પાસે એવા અનેક દાખલા છે, જેમાં દાઢીધારી પુરુષો કરતા ક્લિન સેવ્ડ પુરુષો અત્યંત ક્રૂર નીક્ળ્યા હોય. કે પછી ક્લિન સેવ્ડ પુરુષો કરતાં દાઢીધારી પુરુષો અત્યંત સોફેસ્ટિકેટેડ હોય. પણ હા, આ એક મુદ્દો હંમેશાં ડિબેટનો મુદ્દો રહ્યો છે એ વાત નક્કી છે.